રેલવે કલર્કની ઝડપી કાર્યવાહીએ બચી ગયો મહિલાનો જીવ

05 January, 2022 12:01 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ડૉક્યાર્ડ સ્ટેશન પર ગળું કપાયેલી હાલતમાં મદદ માટે બૂમો પાડતી મહિલાને પહેલાં પ્રાથમિક સારવાર આપી અને ત્યાર બાદ તરત હૉસ્પિટલમાં લઈ ગયા

સીસીટીવી કૅમેરાના ફુટેજમાં એક વ્યક્તિ મહિલાનું ગળું કાપતી નજરે પડે છે

ડૉક્યાર્ડ રેલવે સ્ટેશનના ટિકિટ બુકિંગ ક્લર્કની ત્વરિત કાર્યવાહીને કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો. આ મહિલાનું ગ‍ળું એક અજાણી વ્યક્તિએ કાપી નાખ્યું હતું. વેલમુરુગન ગોપાલ કોણારે પહેલાં મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. સમગ્ર ઘટના પહેલી જાન્યુઆરીએ બીજા નંબરના પ્લૅટફૉર્મ પર બની હતી. એમાં સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દેખાય છે કે એક મહિલા પોતાના બાળક સાથે બેઠી છે તેમ જ એક પુરુષ સાથે વાત કરે છે. થોડા સમય બાદ તે માણસ ઊઠે છે અને મહિલા ત્યાં જ બેઠેલી હોય છે. પેલો માણસ ખિસ્સામાંથી ચાકુ કાઢ્યા બાદ મહિલાનું માથું પકડી તેનું ગળું કાપીને ત્યાંથી ભાગી જાય છે. સિનિયર બુકિંગ ક્લર્ક એ સમયે એ જ પ્લૅટફૉર્મ પર રાતે નવ વાગ્યે  પોતાનું ભોજન લઈ રહ્યો હોય છે. લોહીથી લથબથ મહિલા મદદ માટે બૂમો પાડે છે. ક્લર્ક તરત ત્યાં પહોંચીને તેને પ્રાથમિક સારવાર આપે છે તેમ જ આરપીએફ સાથે તેને તરત ટૅક્સીમાં હૉસ્પિટલમાં લઈ જાય છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં વેલમુરુગન કોણારે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે તેનો જીવ અમે બચાવી શક્યા. અમે તેને આવી હાલતમાં છોડી શકીએ એમ નહોતા.’ 
મહિલાની હાલત હવે સારી છે. નૅશનલ રેલવે મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી વેણુ નાયરે કહ્યું હતું કે ‘વેલમુરુગને દેખાડેલી ફરજને લીધે મહિલાનો જીવ બચી ગયો. ઇન્ડિયન રેલવેના ગૌરવમાં વધારો કરતી તેની આ કાર્યવાહી બદલ તેનું સન્માન થવું જોઈએ.’ 

ટિકિટ બુકિંગ ક્લર્ક વેલમુરુગન કોણાર

સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે ‘કોઈનો જીવ બચાવવો સૌથી મોટું માનવતાનું કાર્ય છે. અમે વેલમુરુગન કોણારે કરેલી કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ.’

mumbai mumbai news dockyard road rajendra aklekar