બહારગામની ટ્રેનોમાં હવે ગંદા પડદા જોવા નહીં મળે

04 April, 2021 08:45 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ગયા વર્ષે માર્ચ મહિનામાં એસી કોચમાંથી દૂર કરવામાં આવેલા કર્ટન્સને રેલવેએ કરી હંમેશ માટે બાય-બાય

ફાઇલ તસવીર

કોરોનાવાઇરસની મહામારી ફરી માથું ન ઊંચકે એ માટે ગયા વર્ષે રેલવેની લાંબા અંતરની ટ્રેનોની બારી પરથી કપડાના ગંદા પડદા હંગામી ધોરણે કાઢી લેવામાં આવ્યા હતા. જોકે હવે રેલવેએ એની તમામ એસી ટ્રેનની બારીઓ પર રોલર બ્લાઇન્ડ લગાવવાનો નિર્ણય લીધો છે. 

સીટ પરના પડદાને લીધે ગાડીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ શકે છે એવી ઇન્ક્વાયરી કમિટીની ભલામણને પગલે રેલવેએ ૨૦૧૮માં જ સીટ પરના પડદાને હટાવી દીધા હતા. જોકે બારી પરના પડદા મુસાફરોને સૂર્યપ્રકાશ અને ગરમીથી રાહત આપવા માટે રાખવામાં આવ્યા હતા.

સોશ્યલ ડિસ્ટન્સિંગનો હેતુ જળવાય એ હેતુથી માર્ચ ૨૦૨૦માં રેલવેએ બારી પરના પડદા દૂર કરવા ઉપરાંત મુસાફરોને બ્લૅન્કેટ આપવાનું પણ બંધ કર્યું હતું. ત્યારથી જ  રેલવેના મુસાફરો બહારની લાઇટ અને ઓછી ઠંડકની સતત ફરિયાદ કરી રહ્યા છે.

અનેક પ્રયોગો બાદ રેલવેએ હાવડા-નવી દિલ્હી એસી સ્પેશ્યલ ટ્રેનના એક કોચમાં પૉલિમર ડિસ્પર્સ્ડ લિક્વિડ ક્રિસ્ટલ (પીડીએલસી) શીટ્સ બેસાડી હતી. આ શીટ લગાવવાથી  મુસાફરો માત્ર એક સ્વિચ દબાવીને બારીના કાચને પારદર્શકથી અપારદર્શક બનાવી શકે છે. તમામ એસી ટ્રેનોની બારી પર આ પડદા લગાવવા ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જોકે અધિકારીઓએ તમામ એસી કોચની બારીઓ પર કપડાના પડદાના સ્થાને રોલર બ્લાઇન્ડ્સ લગાવવાનો નિર્ણય લીધો છે.

mumbai mumbai news indian railways rajendra aklekar