સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રેલવે-ઍક્સિડન્ટમાં ૬૯નાં મોત

09 September, 2012 05:38 AM IST  | 

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રેલવે-ઍક્સિડન્ટમાં ૬૯નાં મોત

આમ રેલવે માટે આ ચિંતાનો વિષય બન્યો છે. દર વર્ષે રેલવે-અકસ્માતોમાં લગભગ ૪૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થાય છે, પણ આ મહિનાના પહેલા જ અઠવાડિયામાં થયેલા અકસ્માતોમાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાથી રેલવેતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રેલવેના અકસ્માતો ટાળવા થોડાં વર્ષો પહેલાં વર્લ્ડ બૅન્કે સૂચન કર્યું હતું કે માનવજીવન અમૂલ્ય છે, એને બચાવવું જોઈએ. મુંબઈમાં રેલવે પ્રોજેક્ટોનું સંચાલન કરતી સંસ્થા મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ને આ માટે કાર્યવાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું એટલે એમઆરવીસીએ જે. જે. સ્કૂલ ઑફ આર્ટની મદદથી અકસ્માતો ન થાય અથવા ઓછા થાય એ માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ટ્રેનની બારીઓ પર લોખંડની જાળીઓ લગાવવામાં આવી હતી, ૧૮ જગ્યાએ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યા હતા, એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મને જોડવા બ્રિજ અને અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવામાં આવ્યા હતા. જોકે આટલીબધી સગવડ ઉપલબ્ધ હોવા છતાં રેલવેમાં અકસ્માતોની સંખ્યા ઘટવાને બદલે દિવસે-દિવસે વધી રહી છે.

‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમ્યાન સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વી. એ. માલેગાંવકરે કહ્યું હતું કે ‘રેલવેમાં વધતા અકસ્માતોને લીધે અમે ચિંતિત છીએ. અકસ્માતો ટાળવા માટે અમે સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજ બાંધી રહ્યા છીએ અને રેલવે-ટ્રૅકની બાજુમાં દીવાલો ઊભી કરી રહ્યા છીએ.’