09 July, 2026 01:57 PM IST | Raigad | Gujarati Mid-day Online Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્ર રાજ્યને વરસાદે ઘમરોળ્યું છે ત્યારે ઠેરઠેરથી તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. અઠવાડિયાથી મુશળધાર પડેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જલમગ્ન થયા છે. ખાસ તો રાયગઢ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રાયગઢમાંથી એક ચોંકાવનારો વીડિયો (Raigad Viral Video) સામે આવ્યો છે. જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ જળચર પ્રાણી કે મનુષ્ય નહીં, પણ હજારો LPG ગૅસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાતાળગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ગૅસ સિલિન્ડર વહ્યા હતા.
પાણીમાં તરતા આ સિલિન્ડરોને જોઈને લોકો જોતાં જ રહી ગયા હતા. વળી, ઘણા લોકો તો આ ‘મફતના સિલિન્ડર’ મેળવી લેવાની લાલચે જીવના જોખમે પણ પાણીમાં ઉતરી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં રાયગઢમાં આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જવાને કારણે પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી પ્લાન્ટમાં સંગ્રહિત આશરે 3,000 જેટલા સિલિન્ડરો પાણીના પ્રવાહમાં તણાઇ (Raigad Viral Video) ગયા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ તણાયેલા સિલિન્ડરોમાં કેટલાક ખાલી હતા અને કેટલાક ભરેલા પણ હતા.
આ રીતે પાણીના પ્રવાહમાંથી ઉઠાવીને ઘરે લઈ જવામાં આવેલ સિલિન્ડર (Raigad Viral Video) જોખમ ઊભું કરી શકે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને રાયગઢના કલેક્ટર કિશન જાવલેએ નાગરિકોને કડક શબ્દોમાં અપીલ કરી છે કે જો આ રીતે કોઈપણ તણાઇ આવેલ સિલિન્ડર્સ મળે તો તેને અડકવું નહીં કે ન તો ઘરમાં સ્ટોર કરવા. કારણ કે તણાઈ આવેલ સિલિન્ડરો સૅફ છે કે નહીં અથવા તેમાં ગેસ ભરેલો છે કે નહીં તેની કોઈ ગેરેંટી હોતી નથી. માત્ર મફતમાં મળ્યા છે એમ કરીને યુઝ કરવાના હેતુથી તેને ઉઠાવવા, ખોલવા કે ઘરે લઈ જવું તે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.
પ્રશાસને લોકોને વહેલી તકે વહીવટીતંત્ર અથવા કંપનીને સહકાર આપવા વિનંતી કરી છે. જો કોઈને આવા સિલિન્ડર (Raigad Viral Video) મળે, તો તેઓ સીધા HPCL કંપનીના પ્લાન્ટ પર અથવા નજીકના કોઈપણ HPCL ગેસ ડીલર (એજન્સી) ખાતે જમા કરાવી શકે છે. તહસીલદાર ઓફિસ, ખાલાપુર કે સ્થાનિક તહસીલદાર ઓફિસ અથવા સબ-ડિવિઝનલ ઓફિસર (SDO)ની ઓફિસમાં પણ જમા કરાવી શકાય છે.
મુશળધાર વરસાદને પગલે રાયગઢમાં ભારે તારાજી સર્જાઇ છે ત્યારે નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે અને રહેણાંક વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. આવા સમયે ગૅસ સિલિન્ડર લીક થવાની કે બ્લાસ્ટ થવાની દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર હાઈ એલર્ટ પર છે.