મેડિકલ સ્ટોર્સ પર રેઇડ

20 January, 2021 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેડિકલ સ્ટોર્સ પર રેઇડ

ભાયખલામાં આવેલી જે. જે. હૉસ્પિટલ નજીકના મેડિકલ સ્ટોરમાં વેચાય છે બોગસ કંપનીનું મટીરિયલ

કોઈ પણ ઑપરેશન બાદ ટાંકા માટે ઉપયોગમાં લેવામાં આવતા ધાગા ફેમસ કંપનીના હોવાનું કહીને ડુપ્લિકેટ દોરા પધરાવી દેતા મેડિકલ સ્ટોર્સ પર રેઇડ પાડીને પોલીસે બે ગુજરાતી સહિત પાંચ જણની ગઈ કાલે વહેલી સવારે ધરપકડ કરી હતી. મેડિકલ સ્ટોરની પોલીસે લીધેલી ઝડતીમાં ૩,૮૮,૨૫૪ રૂપિયાની કિંમતના ૭૬૫ પીસ જપ્ત કર્યા હતા. પેન, પ્રિન્ટરના કાર્ટ્રિજ વગેરેના કૉપીરાઇટના કેસ અનેક વખત પકડાય છે, પણ હવે મેડિકલ સર્જરી સાથે સંકળાયેલી વસ્તુઓ મોટી કંપનીઓના નામે તૈયાર કરીને એનું મેડિકલ સ્ટોર દ્વારા વેચાણ થઈ રહ્યું છે એ ચોંકાવનારું છે.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગને જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીના વિજય પવાર નામના કર્મચારીએ માહિતી આપી હતી કે જે. જે. હૉસ્પિટલ નજીકના કેટલાક મેડિકલ સ્ટોરમાં કંપનીના નામે સર્જરી માટેના બોગસ ધાગાનું વેચાણ કરાઈ રહ્યું છે.

ફરિયાદની ચકાસણી કર્યા બાદ સોમવારે મોડી રાત્રે પોલીસની ટીમે જે. જે. હૉસ્પિટલ નજીક આવેલા પાંચ મેડિકલ સ્ટોરમાં દરોડો પાડતાં અહીંથી જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીના લેબલવાળા બોગસ ધાગાના ૭૬૫ પીસ મળી આવ્યા હતા. પોલીસે આ બોગસ મટીરિયલ જપ્ત કરીને મોડી રાત્રે કૉપીરાઇટ ઍક્ટ હેઠળ સર જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. સર જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ બોરાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શ્રી પારસ મેડિકલ સ્ટોરના રાજ ગોસર, મેટ્રો મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોરના મોહમ્મદ આગા, શાહ મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોરના કિરણ શેલાર, ઉમામા મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોરના વિનીત વાલમ અને મૉનાર્ક એન્ટરપ્રાઇઝ સપ્લાયરના નીલેશ શાહની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરતાં તેઓ જામીન પર મુક્ત થયા છે. સ્ટાન્ડર્ડ કંપનીનો આ માલ ક્યાં, કોણ બનાવે છે અને એની સપ્લાય ક્યાં-ક્યાં થાય છે એની તપાસ હાથ ધરાઈ છે. કૉપીરાઇટ ઍક્ટમાં આ વિસ્તારમાં સર્જરી માટેનું બોગસ મટીરિયલ પહેલી વખત ઝડપાયું છે. આ ખૂબ જ ગંભીર મામલો હોવાથી અમે આ કેસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.’

mumbai mumbai news byculla jj hospital