14 December, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક મોટી કાર્યવાહીમાં રૅશન ડિસ્ટ્રિબ્યુશન કન્ટ્રોલર ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના વિજિલન્સ વિંગના ઑફિસરોએ ચોક્કસ માહિતીના આધારે ડોમ્બિવલીના સાગાવમાં રેઇડ પાડી હતી. ઑફિસરોએ ગેરકાયદે સ્ટોર કરાયેલાં અને કાળા બજારમાં વેચાતાં ઘરમાં વપરાતાં લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં ૧૮૩૯ સિલિન્ડર અને એ ટ્રાન્સપોર્ટ કરતાં ૭ વાહનો જપ્ત કર્યાં હતાં. કુલ ૬૭.૧૪ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હતી.
આ બાબતે વિજિલન્સ ટીમના ઑફિસરે કહ્યું હતું કે ‘ભરચક વસ્તીની વચ્ચોવચ આવેલું એ ગોડાઉન કોઈ પણ સેફ્ટી ક્લિયરન્સ વગર અને લાઇસન્સ વગર ઑપરેટ કરાતું હતું. આ બાબતે સંબંધિત ઑથોરિટીને જાણ કરવામાં આવી છે અને એ બાબતે વધુ તપાસ ચલાવાઈ રહી છે કે એ ગોડાઉન કોની માલિકીનું છે? એ સિલિન્ડર કઈ ગૅસ-એજન્સીઓ પાસેથી મેળવવામાં આવ્યાં હતાં અને એના ટ્રાન્સપોર્ટ સાથે કોણ સંકળાયેલું હતું.’