તેલના વેપારીઓને ત્યાં દરોડાથી વેપારી આલમમાં ફફડાટ

19 January, 2021 10:18 AM IST  |  Mumbai | Rohit Parikh, Mehul Jethva

તેલના વેપારીઓને ત્યાં દરોડાથી વેપારી આલમમાં ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનમાંથી બિઝનેસમાં હજી કળ વળે એ પહેલાં જ મુંબઈ અને નવી મુંબઈમાં ખાદ્યતેલમાં ભેળસેળ થઈ રહી છે એવી શંકા આવતાં શનિવારથી ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા નવી મુંબઈના વાશી, વસઈ, બોરીવલી, કાંદિવલી, ગોરેગામ અને ભીવંડી‌ના આઠથી વધુ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પછી આ વેપારીઓના ખાદ્યતેલનો માલ સીઝ કરી દેવામાં આવ્યો હતો.  ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશનની આ કાર્યવાહીથી ખાદ્યતેલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ કાર્યવાહી બાબતમાં માહિતી આપતાં એફડીએના જૉઇન્ટ કમિશનર શૈલેષ આઢવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી મુંબઈ અને નવી મુંબઈના તેલના વેપારીઓનાં ગોડાઉનો અને દુકાનો પર શનિવારે છાપામારી કરવામાં આવી હતી. અમને શંકા છે કે આ વેપારીઓ તેમના ખાદ્યતેલમાં કોઈ પદાર્થ ભેળસેળ કરી રહ્યા છે. આ વેપારીઓનો માલ સીઝ કરીને અમે તેમાંથી સૅમ્પલ લઈને લૅબોરેટરીમાં તપાસ  માટે મોકલ્યાં છે. અમને રિપોર્ટ મળ્યા બાદ તેમના પર કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

એફડીએની આ કાર્યવાહી સંબંધમાં એક ખાદ્યતેલના વેપારીએ તેનું નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શનિવારે એકસાથે આટલી બધી જગ્યાએ આઠથી વધુ વેપારીઓને ત્યાં એફડીએની છાપામારી દાળમાં કાંઈ કાળું હોવાની શંકા જગાવે છે. અમારા જ કોઈ વેપારીએ આ પ્રકારની જાણકારી એફડીએના અધિકારીઓને આપી હોય એવી અમને પૂરેપૂરી શંકા છે. 

ખાદ્યતેલના વેપારીએ કરેલી શંકાને હાસ્યાસ્પદ કહેતા અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમને આ છાપામારી પાછળ મલ્ટિનૅશનલ કંપનીનો હાથ લાગી રહ્યો છે, જે અમારા વેપારીઓના બિઝનેસ બંધ કરાવીને ખાદ્યતેલનો બિઝનેસ હડપવા માગે છે. કોઈ ખાદ્યતેલના વેપારીને અન્ય વેપારીઓ પર શંકા જતી હોય તો તેમણે અમારા મહાસંઘમાં આ ફરિયાદ કરવી જોઈએ. બાકી તો કોઈ સંગઠન તોડવા અથવા તો વિખવાદ ઊભા કરવા આવા તર્ક કરતા હોય છે. 

આ ઉપરાંત એફડીએના અધિકારીઓના દરોડા બાબતે તેમણે કહ્યું હતું કે ‘આ બાબતે અમે એફડીએના કમિશનરને મળવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે તેમને વેપારીઓનો માલ જપ્ત ન કરવા વિનંતી કરવાના છીએ, કારણ કે આનાથી તેમના ધંધા પર બહુ જ અવળી અસર થાય છે. લૉકડાઉનને કારણે વેપારીઓ આર્થિક મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા છે એવા સંજોગોમાં તેમનો માલ સીઝ કરવાથી વેપારીઓ ખૂબ જ હાલાકીમાં આવી જાય છે. એફડીએ પાસે લૅબોરેટરીઓ ઓછી હોવાથી ટેસ્ટ ‌રિપોર્ટ આવતા ૧૦ દિવસથી લઈને ત્રણ મહિના લાગી જતા હોય છે, જે સમયમાં તેલ બગડી જાય છે અને ફેંકી દેવું પડે છે.’ 

mumbai mumbai news mehul jethva