પંજાબમાં ખેતી બચાવો યાત્રામાં રાહુલ ગાંધીની ઘોષણા

05 October, 2020 02:04 PM IST  |  Moga | Agency

પંજાબમાં ખેતી બચાવો યાત્રામાં રાહુલ ગાંધીની ઘોષણા

પંજાબના મોગામાં કૃષિ કાયદાના વિરોધમાં આયોજિત રૅલીમાં ટ્રૅક્ટર પર સવાર કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ. તસવીર : પી.ટી.આઇ.

કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબના મોગામાં યોજાયેલી ટ્રૅક્ટર રૅલીનું નેતૃત્વ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારી આ રૅલીના પહેલા દિવસે મોગાના બદની કલાનમાં એક જાહેરસભાને પણ સંબોધી હતી.

રૅલીને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર સત્તા પર આવશે તો કૃષિ કાયદાને કચરાના ડબ્બામાં નાખશે. કેટલીક કૉર્પોરેટ કંપનીઓ માટે કેન્દ્ર સરકાર ખેડૂતોની અહિત કરી રહી છે. સરકાર ટેકાના ભાવની સિસ્ટમને ખતમ કરી રહી છે. એને ખબર છે કે આ પદ્ધતિ ખતમ થવાને કારણે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ઘણું નુકસાન જશે. પરંતુ કૉન્ગ્રેસ એમ નહીં થવા દે. જો ખરેખર આ કાયદો ખેડૂતના હિતમાં હોય તો શા માટે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે? હાલ જે સિસ્ટમ છે એમાં ખામી છે, પરંતુ એને સુધારવાના બદલે ખતમ કરી નાખવી યોગ્ય નથી.

મોદી સરકારને ઉદ્યોગપતિઓનાં હિત જોનારી સરકાર ગણાવતાં રાહુલે કહ્યું હતું કે સરકાર મોદીની ભલે હોય પણ એને ચલાવે છે અંબાણી અને અદાણી. જે પ્રકારે કઠપૂતળીઓને પાછળથી કોઈ ચલાવે એવી વાત છે. અંગ્રેજોએ ખેડૂતોની કમરને ભાંગી હતી. કંઈક એવું જ મોદી સરકાર કરી રહી છે.

સિદ્ધુની નારાજગી દૂર

પંજાબના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કૅબિનેટ મિનિસ્ટર નવજોત સિંહ સિદ્ધુએ ગઈ કાલે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોજેલી રૅલીમાં ભાગ લીધો હતો. પંજાબ ઓલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી હરીશ રાવત અમૃતસરમાં નવજોત સિંહ સિદ્ધુને મળ્યા બાદ તેઓ આ રૅલીમાં જોડાયા હતા. સિદ્ધુએ જણાવ્યું હતું કે ‌આ નવા કાયદાને લીધે પાંચ લાખ લેબર અને ૩૦,૦૦૦ જેટલા કમિશન એજન્ટના કામકાજને અસર પડવાની સંભાવના છે.

punjab national news congress rahul gandhi