ઑલવેઝ ઑન ડ્યુટી

22 July, 2026 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્યુટી પતાવીને ઘરે પાછા ફરી રહેલા ટ્રાફિક-પોલીસે ઍક્સિડન્ટમાં બેભાન થયેલા કાર-ડ્રાઇવરનો જીવ બચાવ્યો અને હૉસ્પિટલમાં પણ દાખલ કર્યો

ઍક્સિડન્ટમાં ઘાયલ થયેલી વ્યક્તિને CPR આપીને બચાવી લેનારો કૉન્સ્ટેબલો.

રબાળે ટ્રાફિક શાખા સાથે જોડાયેલા બે પોલીસ-કૉન્સ્ટેબલોએ ડ્યુટી કરીને ઘરે જતી વખતે બેભાન થયેલા મોટરચાલકની કાર રોડ-ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હોવાનું જોયા બાદ છાતીમાં પમ્પ કરીને તેનો જીવ બચાવ્યો હતો. તેમની સમયસરની સારવારથી કારનો ડ્રાઇવર બચી ગયો હતો એટલું જ નહીં, તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર પણ અપાવી હતી. 
આ ઘટના ૧૭ જુલાઈએ રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે બની હતી. પોલીસ-કૉન્સ્ટેબલ સચિન ઢાલે અને સચિન સુળે તેમની ડ્યુટી પતાવી ઘરે પાછા ફરી રહ્યા હતા. તેઓ રબાળે ખાતે રિલાયન્સ ફ્લાયઓવરની બેલાપુર જતી લેન પર પહોંચ્યા ત્યારે તેમણે એક કારને ફ્લાયઓવરની શરૂઆતથી લગભગ ૫૦ મીટર દૂર રોડના ડિવાઇડર સાથે અથડાયેલી જોઈ હતી.

કાર પાસે પહોંચતાં બન્ને કૉન્સ્ટેબલોએ ડ્રાઇવરને બેભાન અવસ્થામાં જોયો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપ્યું હતું. એ પછી ડ્રાઇવર થોડી વારમાં ભાનમાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે વિલંબ કર્યા વિના તેને વધુ સારવાર માટે રબાળેની ગવલી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

ડ્રાઇવરની ઓળખ સચિન બિચુકલે તરીકે થઈ છે, જે સાનપાડાની મોરજ રેસિડન્સીનો રહેવાસી છે. તેણે પોલીસને જાણ કરી હતી કે તે વસઈમાં લાર્સન ઍન્ડ ટુબ્રોમાં કામ કરે છે અને કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે વાહન ચલાવતી વખતે બેભાન થઈ ગયો, જેને કારણે આ અકસ્માત થયો હતો.

રબાળે ટ્રાફિક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન બડગુજરે બન્ને કૉન્સ્ટેબલોની પ્રશંસા કરીને તેમને બિરદાવ્યા હતા. 

mumbai news mumbai mumbai traffic mumbai police mumbai traffic police