નવા બંધાઈ રહેલા પુલનો ભાગ ખસી જતાં કામની ક્વૉલિટી સામે પ્રશ્નાર્થ

29 December, 2020 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા બંધાઈ રહેલા પુલનો ભાગ ખસી જતાં કામની ક્વૉલિટી સામે પ્રશ્નાર્થ

નાયગાંવના આ બ્રિજને બનાવતી વખતે એક ભાગ ખસી ગયો હતો

નાયગાંવ ઈસ્ટથી વેસ્ટને જોડવા માટે એમએમઆરડીએ દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. નાયગાંવ ખાડીના ફુટ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એનો એક ભાગ લગભગ ચાર ફુટ ખસી ગયો હોવાની દુર્ઘટના બની હતી. આ ઘટનાને લીધે બ્રિજની વિશ્વસનિયતા પર પણ પ્રશ્ન ઊભો થયો છે. ઘટનાની જાણ નગરવિકાસ પ્રધાનને કરવામાં આવી છે.

નાયગાંવ-ઈસ્ટમાં સ્ટેશનની બહાર એક ખાડી આવેલી છે. આ ખાડી પાર કરવા માટે પહેલાં એક લોખંડનો પુલ હતો, જે ખૂબ જર્જરિત થઈ ગયો હતો. સ્થાનિક નાગરિકોની માગણી બાદ પીડબ્લ્યુડીએ ખાડી પર નવો પુલ બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. છેલ્લાં આશરે પાંચ વર્ષ પહેલાં અહીં લોખંડના જર્જરિત પુલની બાજુમાં નવો પુલ બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. પુલ હજી પૂર્ણ રીતે બન્યો નથી પરંતુ લોકોની અવર-જવર કરવા અમુક ભાગ ખોલવામાં આવ્યો છે. શિવસેનાના ઉપવિભાગ પ્રમુખ માઇકલ મોસેસના જણાવ્યા પ્રમાણે ‘પુલ તૈયાર થવા બાદ આવો બનાવ બન્યો હોત તો જાનહાનિ થવાની શક્યતા પણ હતી. ઘટના વિશે મેં નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેને જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે પીડબ્લ્યુડીના એન્જિનિયર આવીને તેની તપાસ કરશે. એથી ગઈ કાલે વિભાગીય અધિકારીઓ અને એન્જિનિયર દ્વારા તપાસ કરાઈ હતી.’

આ વિશે પીડબ્લ્યુડીના એન્જિનિયર પ્રશાંત ઠાકરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કીચડ અને દલદલના કારણે બ્રિજનો એક ભાગ ખસકી ગયો છે. આ દુર્ઘટના બાદ એ ભાગને તોડીને ફરીથી નવી ડિઝાઈન સાથે બનાવવામાં આવશે, પરંતુ એ પહેલાં ત્યાંની માટીની ટેસ્ટિંગ કરવામાં આવશે અને એ પ્રમાણે ત્યાં કામ હાથ ધરાશે.’

mumbai mumbai news naigaon