કસાબની ફાંસી મારા પતિનું ખરું સન્માન : સ્મિતા સાલસકર

21 November, 2012 09:54 AM IST  | 

કસાબની ફાંસી મારા પતિનું ખરું સન્માન : સ્મિતા સાલસકર



મુંબઈમાં 26/11ના હુમલા વખતે આતંકીઓની ગોળીઓથી શહીદ થયેલા વિજય સાલસકર પત્ની સ્મિતાએ કસાબની ફાંસીને પોતાના પતિના સન્માન તેમ જ શ્રદ્ધાંજલિ તરીકે ગણાવી હતી.

સ્મિતા સાલસકરે જણાવ્યું હતું "ભલે સજા આપવામાં મોડું થયું છે પરંતુ કસાબને આખરે ફાંસી અપાઈ. આ ફાંસીને કારણે મારા પતિને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ છે પરંતુ ખરા અર્થમાં ત્યારે થશે જ્યારે પાકિસ્તાનમાં બેઠેલા આવા અન્ય આરોપીઓનો ખાત્મો થશે.

કસાબની દયાયાચિકા નામંજૂર કરવા બદલ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો આભાર માનતા સ્મિતાએ કહ્યું હતું કે સ્વ.બાળ ઠાકરેની પણ ઇચ્છા હતી કે કસાબને ફાંસી આપવી જોઈએ ત્યારે તેમની અને આપણાં બધાંની ઇચ્છા આજે પૂર્ણ થઈ છે એમ કહેવાય.

26/11ના હુમલાની ચોથી વરસીના પહેલાં જ કસાબની ફાંસી આપવામાં આવી હોવાથી સાલસકર પરિવારમાં ખુશીની લહેર જણાતી હતી

કસાબને ફાંસી આપીને ભારત આતંકવાદ કોઈ પણ ભોગે નહીં ચલાવી લે તેનો દાખલો દુનિયા સમક્ષ બેસાડ્યો છે. તેમ જ આશા રાખું છું કે સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને પણ જલદીથી જલદી ફાંસી આપવામાં આવશે તેમ સ્મિતા સાલસકરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સપેક્ટર વિજય સાલસકર 26/11ના હુમલા વખતે ATS ચીફ હેમંત કળકરે અને એડિશનલ કમિશનર ઓફ પોલીસ અશોક કામ્ટે સાથે પ્રાથમિક સામનો કરવામાં મોખરે હતાં.