"ટ્રેન ને બસના ધક્કા ખાતી વ્યક્તિ કૉર્પોરેટર બનવા આગળ આવે"

19 October, 2011 09:12 PM IST  | 

"ટ્રેન ને બસના ધક્કા ખાતી વ્યક્તિ કૉર્પોરેટર બનવા આગળ આવે"

(કાજલ ગોહિલ-વિલ્બેન)

ક્રૉફર્ડ માર્કેટ, તા. ૧૯

 

સુધરાઈની ચૂંટણીમાં ચોખ્ખા ઉમેદવારોને ઊભા રાખવા બનેલા મુંબઈ ૨૨૭ નામના ગ્રુપના સમર્થનમાં ગઈ કાલે મળેલી વેપારીઓની મીટિંગમાં કરવામાં આવ્યું આહ્વાન

સામાજિક રીતે કાર્યરત સંસ્થાઓ, વેપારીઓ, હાઉસિંગ સોસાયટીઓ, અસોસિએશન ઑફ શૉપકીપર્સ, અસોસિએશન ઑફ હોટેલ્સ અસોસિએશન ઑફ બિઝનેસમેન બધાને એક છત્ર હેઠળ લાવવા મુંબઈ ૨૨૭ના નેજા હેઠળ એફઆરટીડબ્લ્યુએએ ગઈ કાલે ક્રૉફર્ડ માર્કેટમાં એક મીટિંગનું આયોજન કર્યું હતું. એ વિશે એફઆરટીડબ્લ્યુએના પ્રેસિડન્ટ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અણ્ણાજીને મળેલી ભષ્ટાચારવિરોધી આંદોલનની સફળતા બાદ ભારતીયો અત્યારના નેતાઓમાં તેમનો વિશ્વાસ ખોઈ બેઠા છે. ઉપરાંત પૉલિટિકલ પાર્ટીના પોતાનાં સગાંઓને જ ચૂંટણીમાં ઊભા કરવા જેવા વ્યવહારને લીધે જે લોકો ખરેખર કામ કરવા ઇચ્છે છે તેમને મોકો નથી મળતો.

મુંબઈ ૨૨૭ આવા સાચા અને સારા, પ્રામાણિક, દેશભક્ત અને જે ગુનેગાર નથી એવા લોકોને એક પ્લૅટફૉર્મ આપશે જેને લીધે તેઓ અણ્ણાના સિસ્ટમ-ચેન્જના કાર્યમાં ભાગ લઈને લોકો માટે એક સાફસૂથરી વ્યવસ્થા ઊભી કરી શકે.’

આ મીટિંગને ખરા અર્થમાં સફળતા તો ત્યારે જ મળી હતી જ્યારે એમાં લોકોએ પોતે સુધરાઈની ચૂંટણી લડવામાં રસ બતાવ્યો હતો. એ વિશે વીરેન શાહે કહ્યું હતું કે ‘મલાડના વેપારી શિરીષ ગોટેચા, પ્રાર્થના સમાજના મહેશ નંદુ અને નરીમાન પૉઇન્ટના વેપારી પ્રકાશ પોદારે સુધરાઈના ઇલેક્શનમાં કૅન્ડિડેટ તરીકે ઊભા રહેવામાં રસ બતાવ્યો છે. જોકે અમારી મુંબઈ ૨૨૭ની પૅનલ તેઓ ખરેખર કામ કરી શકે એવી વ્યક્તિ છે કે નહીં એની ચકાસણી કરશે અને પછી જ તેમની ઉમેદવારી નોંધવામાં આવશે. મારી તો ઇચ્છા છે કે કોઈ દરરોજ ટ્રેન કે બસના ધક્કા ખાતી વ્યક્તિ અમારી પાસે ઉમેદવારી માટે આવે. તેઓ સમાજની સમસ્યાઓને દરેક રીતે સહન કરી શકે છે અને ખરી રીતે સમાજને ઉપયોગી થઈ શકે છે.’

આ મીટિંગમાં સહભાગી થવા ભગવાનજી રૈયાણી, ડૉ. મોના શાહ, સંતોષ અવતરામાણી, ક્રિષ્ના ગોકડિયા, અકલ્પિતા પરાંજપે, ગૌરાંગ વોરા જેવા અનેક વેપારીઓ અને મુંબઈ ૨૨૭ના વૉલન્ટિયર્સ હાજર રહ્યા હતા.