ક્યાં ખોવાઈ આ મહિલા?

25 August, 2012 08:22 AM IST  | 

ક્યાં ખોવાઈ આ મહિલા?

 

 


(શિરીષ વક્તાણિયા)

 

 

મુંબઈ, તા. ૨૫

 

ક્યાં જાણ કરશો?

પુષ્પા રાવલ વિશે કોઈ માહિતી મળે તો વિકી રાવલનો ૦૯૬૧૯૯ ૧૮૫૪૦ અથવા ગૌતમ રાવલનો ૦૯૯૨૮૮ ૦૨૧૩૧ નંબર પર સંપર્ક કરવો

 

મુંબઈમાં ૨૧ વર્ષના દીકરાની સગાઈ નક્કી થયા હોવાના ખુશખબર સાંભળતાંની સાથે જ સુરતમાં રહેતા યુવકનાં મમ્મી પુષ્પા બાબુભાઈ રાવલ ૧૦ ઑગસ્ટે તેમની ભાવિ પુત્રવધૂને મળવા ટ્રેનમાં મુંબઈ આવી રહ્યાં હતાં એ વખતે ગુમ થઈ ગયાં હતાં. મુંબઈમાં અંધેરી સ્ટેશને પહોંચતાંની સાથે જ તેમનો મોબાઇલ ફોન સ્વિચ-ઑફ થઈ ગયો હતો. આ વિશે સુરત રેલવે-પોલીસમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પુષ્પાબહેનના પરિવારજનો મુંબઈમાં તેમની શોધ કરી રહ્યા છે. હાલમાં દીકરાની સગાઈ રોકી દેવામાં આવી છે.

 

૪૨ વર્ષનાં પુષ્પાબહેનના પુત્ર નિરંજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા બાબુભાઈ મુંબઈમાં ભાંડુપમાં રહે છે અને જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે. હું મારી મમ્મી અને બહેન જ્યોતિ સાથે સુરતમાં રહું છું. ૧૦ ઑગસ્ટે સવારે મારા પપ્પાએ મમ્મીને ફોન કરીને મારા એન્ગેજમેન્ટ નક્કી કર્યા હોવાની જાણ કરી હતી. આ ખુશખબર સાંભળતાંની સાથે જ મમ્મીએ મારી બહેન જ્યોતિને ફોન કરી જણાવ્યું કે હું તારા પપ્પાને મુંબઈ મળવા જાઉં છું. બપોરે ત્રણ વાગ્યે મારી મમ્મી સુરત સ્ટેશન પહોંચી એ વખતે તેણે મારા પપ્પાને ફોન કરીને કહ્યું કે હું મુંબઈમાં મારી વહુને મળવા આવી રહી છું, પણ આજે ટ્રેન એક કલાક લેટ છે એટલે મને ઘરે પહોંચતાં કદાચ લેટ થશે. જોકે મારા પપ્પાએ સાંજે ૫.૩૩ વાગ્યે ક્યાં પહોંચી એે પૂછવા મમ્મીને ફોન કયોર્ ત્યારે તેઓ વાપી સ્ટેશને પહોંચ્યાં હતાં. એ પછી તેમનો ફોન સ્વિચ-ઑફ થઈ ગયો હતો. સુરત રેલવે-પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ દરમ્યાન માહિતી મળી હતી કે તેઓ અંધેરી સ્ટેશને પહોંચ્યાં ત્યાર પછી તેમનો ફોન સ્વિચ-ઑફ થયો હતો.’

 

મારી પત્ની ઘરે ન પહોંચતાં તેના મોબાઇલ પર મેં ફોન કયોર્ હતો, પણ ફોન સ્વિચ-ઑફ આવ્યો હતો એમ જણાવીને બાબુભાઈએ કહ્યું હતું કે ‘પછી મેં મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી એમ દરેક સ્ટેશન પર જઈને તેની શોધ કરી, પરંતુ મારી પત્નીની કંઈ ભાળ મળી નહોતી. હાલમાં અમે મારા દીકરાના એન્ગેજમેન્ટ રોકી દીધા છે.’