પુણેના રિપોર્ટર પાંડુરંગ રાયકરનું કોરોનાના કારણે નિધન

03 September, 2020 01:44 PM IST  |  Mumbai | Mumbai correspondent

પુણેના રિપોર્ટર પાંડુરંગ રાયકરનું કોરોનાના કારણે નિધન

રિપોર્ટર પાંડુરંગ રાયકર

ટીવી-9 મરાઠીના પુણેના રિપોર્ટર પાંડુરંગ રાયકર જે કોરોના સમયગાળા દરમ્યાન અહેવાલ આપતા હતા તેઓનું કોરોનાને કારણે નિધન થયું છે. ૪૨ વર્ષના પાંડુરંગે બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આઘાતજનક વાત એ છે કે દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં લઈ જવા માટે જમ્બો કોવિડ સેન્ટર તરફથી કોઈ અૅમ્બ્યુલન્સ મળી નહોતી. અૅમ્બ્યુલન્સ ઉપલબ્ધ થઈ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.
પુણે શહેરમાં તેમણે પોતાના શાંત અને સંયમિત પત્રકારત્વથી નામ બનાવ્યું હતું. લૉકડાઉનથી અનલૉકિંગ અને મિશન બિગીન અગેઇન સુધી. પાંડુરંગે લોકોને તમામ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ટીવી-9 દ્વારા જણાવી હતી. તેમના અવસાનથી રિપોર્ટર પરિવારને આંચકો લાગ્યો છે. પાંડુરંગ રાયકર, જે મૂળ નગર જિલ્લાના છે, તેના પરિવારમાં માતા-પિતા, પત્ની, પુત્ર અને પુત્રી છે. પાંડુરંગનો ૧૫ વર્ષનો પત્રકારત્વનો પ્રવાસ છે. કૃષિથી માંડીને સિનેમા સુધી, રમતગમતથી લઈને રાજકારણ સુધી પાંડુરંગે વિવિધ વિષયો પર રિપોર્ટિંગ કર્યું હતું.
ઉત્સાહી પત્રકારત્વ કરતી વખતે પાંડુરંગને કોરોના પૉઝિટિવ આવ્યો હતો. જોકે ઑક્સિજનનું સ્તર ઓછું થતાં પાંડુરંગને પુણેના જમ્બો કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા હતા, પરંતુ તેમનું ઓક્સિજનનું સ્તર વધુ ઘટી જતાં તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યરાત્રિએ પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં વેન્ટિલેટર છે તેવી માહિતી મળ્યા બાદ પાંડુરંગને મંગેશકર હૉસ્પિટલમાં ખસેડવાના હતા પરંતુ આઘાતજનક વાત એ છે કે મંગેશકર હૉસ્પિટલમાં લઈ જવા માટે જમ્બો કોવિડ સેન્ટર તરફથી કોઈ અૅમ્બ્યુલન્સ મળી નહોતી. અૅમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (પીએમસી)ના કમિશનર વિક્રમ કુમારે જણાવ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રધાન અજિત પવારે આ મુદ્દે તપાસ કરવા સૂચના આપી હતી.

pune