25 August, 2025 06:54 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
મહારાષ્ટ્રનાં પુણે જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હત્યા, બળાત્કાર, હુમલો અને હથિયારો સાથે ફરતી ગૅન્ગની દહેશત જેવી અનેક ઘટનાઓએ સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો છે. પુણેમાં આવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં છોકરીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બે છોકરીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને તેઓએ એકબીજાને પૂછ્યું હતું કે તમે મારા બૉયફ્રેન્ડને કેમ મૅસેજ કર્યો? આ ઘટના ગયા શુક્રવારે રાત્રે 10 થી 10:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
અહીં જુઓ સંપૂર્ણ વાયરલ વીડિયો
શું છે સંપૂર્ણ ઘટના?
એક છોકરીના બૉયફ્રેન્ડને બીજી છોકરીએ મૅસેજ કર્યો હતો. મનમાં ગુસ્સા સાથે, છોકરી મૅસેજ કરનારી છોકરી પાસે ગઈ અને પૂછ્યું, `તમે મારા બૉયફ્રેન્ડને કેમ મૅસેજ કર્યો?` આ દલીલ વધુ ઉગ્ર બનતા લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. શરૂઆતમાં કેટલીક અન્ય છોકરીઓ પણ બંને વચ્ચેની દલીલમાં જોડાઈ હતી. એવું જોવા મળ્યું હતું કે છોકરીઓના બે જૂથો નાની વાત પર એકબીજા સાથે અથડાયા હતા. દરમિયાન, તેમની લડાઈનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસમાં આ મામલે કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે આ ઘટનાએ આસપાસના લોકોમાં ભય નિર્માણ કર્યો છે. તેમ જ લોકોની સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો છે.
પુણેમાં કોયતા ગૅન્ગનો આતંક
પુણેમાં ગુનાઓની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું. હત્યા, બળાત્કાર, કોયતા ગૅન્ગનાં આતંક જેવી ઘટનાઓ કાબુ બહાર ગઈ છે. પુણેમાં આવી જ બીજી એક ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. થોડા દિવસો પહેલા, નાની વાત પર કેટલાક સગીર વયનાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. કોંધવાના મીઠનગર રોડ પર પાર્ક કરેલા વાહનો પર ચાર લોકોના ટોળાએ પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. તેમણે 3 રિક્ષા અને 2 કારના કાચ તોડી નાખ્યા હતા અને વિસ્તારમાં ગભરાટ ફેલાવ્યો હતો. કોંધવા પોલીસે રાતોરાત ચાર આરોપીઓમાંથી 3 આરોપીઓની અટકાયત કરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષા ચાલક અતીક અહેમદ શેખ (ઉંમર 48, રહે. મીઠનગર, કોંધવા) એ કોંધવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે રિક્ષા પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી અને અંદર સૂઈ ગયો હતો. આજે રાત્રે લગભગ 1:30 વાગ્યે, ત્રણ-ચાર લોકો બાઇક પર આવ્યા હતા. તેઓએ માસ્ક પહેરેલા હતા અને પરિસરનાં વાહનોની તોડફોડ કરી હતી.