પુણેમાં ચોરાયો ભારે ડિમાન્ડમાં આવી ગયેલા ઑક્સિજન સિલિન્ડરનો ટેમ્પો

14 September, 2020 09:51 AM IST  |  Pune | Agency

પુણેમાં ચોરાયો ભારે ડિમાન્ડમાં આવી ગયેલા ઑક્સિજન સિલિન્ડરનો ટેમ્પો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે એથી એના ઉપાય તરીકે તેમને ટ્યુબ લગાડીને ઑક્સિજન સિલિન્ડરમાંથી ઑક્સિજન આપવામાં આવતો હોય છે, પણ કોરોનાના દરદીઓની સંખ્યા વધતાં હવે ઑક્સિજન સિલિન્ડરની પણ તંગી પડવા માંડી છે. પુણેના ચાકણમાં ચોંકાવનારી ઘટના એવી બની છે કે હૉસ્પિટલમાં ઑક્સિજનનાં 7 સિલિન્ડર ડિલિવરી કરવા જનારો ટેમ્પો જ ચોર ચોરી ગયા છે.

મ્હલુંગે પોલીસ સ્ટેશનના ઑફિસર બાલાજી સોનટક્કેએ એ વિશે માહિતી આપતાં કહ્યું છે કે હૉસ્પિટલોને ઑક્સિજન સિલિન્ડર પહોંચાડતા બિઝનેસમૅને તેના ઘર સામે જ ગુરુવારે રાતે એ ટેમ્પો પાર્ક કર્યો હતો. થોડી જ વાર બાદ એ ટેમ્પો ત્યાંથી ચોરાઈ ગયો હોવાની જાણ થઈ હતી. આ બાબતે ફરિયાદ નોંધાતાં હવે ટેમ્પો અને એ ચોરી જનાર આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે.

કોરોનાના કારણે હૉસ્પિટલોમાં ઑક્સિજન સિલિન્ડરની બહુ જ માગ છે. જિલ્લા સ્તરે પ્રશાસને એનો મૅન્યુફૅક્ચરર પાસોથી પૂરતો અને સમયસર પુરવઠો થઈ શકે એના સમન્વય માટે એક ખાસ ટીમ પણ બનાવી છે. સરકારે ઑક્સિજનનો અત્યાવશ્યક હેલ્થ કૉમોડિટીની સૂચિમાં સમાવેશ કર્યો છે.

pune pune news Crime News covid19 coronavirus