BKCમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે આજથી અમલમાં, જોકે સફળ થવાના ચાન્સ ઓછા

12 June, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આજથી ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે’ની શરૂઆત કરવામાં આવી છે.

ઇલસ્ટ્રેશન

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આજથી ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે’ની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ દર શુક્રવારે BKCમાં કામ કરતા લોકોને પ્રાઇવેટ વ્હીકલને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. જોકે આ ફરજિયાત ન હોવાથી મોટા ભાગના લોકો પોતાનાં વાહનો લઈને કે ઍપ-બેઝ્ડ ટૅક્સીમાં BKC પહોંચે એવી શક્યતા છે. ટ્રાફિક પોલીસે પણ કહ્યું કે ‘અમને કોઈ પ્રાઇવેટ કારને રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા નથી એટલે જો કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પ્રાઇવેટ વાહનમાં આવશે તો અમે એને રોકી શકીશું નહીં.’ 

MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ જણાવ્યું હતું કે ‘એક દિવસ આવું એક નાનું પગલું ભરવાથી આપણા શહેરને જ લાભ થશે અને પછી ધીરે-ધીરે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની આદત પડી જશે.’

રોજ ઑફિસમાં સમયસર પહોંચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ઓછો મદાર રાખતા ઑફિસગોઅર્સને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે બસ કે મેટ્રો પકડવા માટે ઘણું લાંબું ચાલવું પડે એવી શક્યતા છે. ટ્રાફિક, ગરમી અને ટૂંક સમયમાં આવનારા વરસાદમાં પીક અવર્સમાં લોકો હેરાન થશે એવો દાવો છે. એમાં પણ બસની લાંબી લાઇનોમાં ઊભા રહેવું, બસની ભીડમાં બેસવાની જગ્યા પણ ન હોય એવી સ્થતિમાં ઑફિસના ટાઇમિંગ સચવાશે નહીં એવું લોકોને લાગી રહ્યું છે. 

mumbai news mumbai bandra kurla complex mumbai transport environment air pollution