ઘાટકોપરના મેદાનની હાલત કફોડી : પબ્લિકના પૈસાનો ખુલ્લેઆમ બગાડ

05 October, 2011 08:44 PM IST  | 

ઘાટકોપરના મેદાનની હાલત કફોડી : પબ્લિકના પૈસાનો ખુલ્લેઆમ બગાડ



 

વિધાનસભ્યના ફન્ડમાંથી લાખો રૂપિયા ખર્ચાયા પછી પણ જનરલ અરુણકુમાર વૈદ્ય મેદાનની જાળવણી નથી થઈ રહી

આ મેદાનની નજીકમાં જ રહેતાં ગૃહિણી નયના શાહે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘આ મેદાનમાં સવારે અને સાંજે અનેક લોકો વૉકિંગ માટે આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી વૉક-ટ્રૅકના પેવર બ્લૉક નીકળી ગયા છે અને કેટલીયે જગ્યાએ એનું લેવલિંગ જતું રહ્યું હોવાથી અહીં ચાલવા આવનારને મુશ્કેલી પડે છે. અહીં વાવેલાં ઝાડવાં સુકાઈ ગયાં છે. બાળકોને રમવા માટે બનાવવામાં આવેલા ગાર્ડનની હાલત બાળકોને રમવા કરતાં પડવા જેવી થઈ ગઈ છે. અહીં વયસ્કોને બેસવા માટે બનાવવામાં આવેલા શેડનો ઉપયોગ વયસ્કો કરતાં વધુ ટપોરી જેવા લોકો કરે છે. મહિલાઓ તો અહીં બેસી શકે એવી કોઈ જગ્યા જ નથી. આ મેદાનની દેખભાળ કરવાવાળું કોઈ જ નથી એવું એની હાલત જોતાં દેખાઈ આવે છે.’

 



નયના શાહે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘સૌથી નવાઈની વાત એ છે કે ૨૦૧૦-’૧૧માં જ સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ આ મેદાનનું તેમના નિધિમાંથી નૂતનીકરણ કરાવ્યું હતું જેની પાછળ તેમણે એ સમયે મૂકેલા બોર્ડ પ્રમાણે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સામાન્ય નાગરિક તરીકે હું વધુ જ્ઞાન તો નથી ધરાવતી, પણ વિધાનસભ્યનું ફન્ડ એટલે સામાન્ય પ્રજાના પૈસા. આવા લાખો રૂપિયા ખર્ચીને શું ફાયદો જો ત્યાર પછી એની દેખભાળ કરવાવાળું કોઈ જ ન હોય. એક જ વર્ષના ટંૂકા ગાળામાં મેદાનની હાલત જોતાં એવું લાગે નહીં કે આ મેદાન પાછળ લાખોનો ખર્ચ થયો હશે.’

સુધરાઈના ઘાટકોપરના ‘ઍન’ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારી એ. કે. સિંહે આ સંદર્ભમાં મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમે દરેક ગાર્ડન અને મેદાનની  જાળવણી સમયે-સમયે કરીએ છીએ. આ મેદાનમાં ચોમાસામાં પાણી ભરાઈ જતાં અમારે અહીંના વૉક-ટ્રૅકની નીચે લગાડેલી પાણીનો નિકાલ કરતી પાઇપલાઇનને સાફ કરવા માટે વૉક-ટ્રૅકને અનેક જગ્યાએથી તોડવો પડ્યો હતો જે ચોમાસું હોવાથી રિપેર થઈ શક્યો નથી. આ અઠવાડિયામાં અમે અહીં ચાલવાની જે જગ્યાએ પ્રૉબ્લેમ છે એનું રિપેરિંગ હાથ ધરીને એને ચાલવા લાયક બનાવીશું. અહીંના સુકાઈ ગયેલાં વૃક્ષોને કાઢી નાખીશું. બાકી આ ગાર્ડન નથી, રમવાનું મેદાન છે; એ પ્રમાણે અમે એની જાળવણી કરીએ જ છીએ. બાળકોના રમવાના ગાર્ડનની સાફસફાઈ પણ વરસાદ બંધ થયા પછી કરવામાં આવશે.

 



વયસ્કોની બેસવાની જગ્યાનો ઉપયોગ ટપોરીઓ કરે છે એની અમને અગાઉ પણ ફરિયાદ મળી હતી, પરંતુ અમારા માણસો તેમને હટાવવા ગયા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતમાં અમે પોલીસમાં ફરિયાદ કરીને સમસ્યાને ઉકેલ લાવવાની કોશિશ કરીશું.’

- અહેવાલ અને તસવીરો : રોહિત પરીખ