જો તમે રોડ મેઇન્ટેન ન કરી શકતા હો તો ટોલ શું કામ વસૂલો છો? હવે અમે ટોલ નહીં ભરીએ

21 September, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ખાડાને કારણે થતા જીવલેણ ટ્રાફિક જૅમથી ત્રાસેલી જનતાનો આક્રોશ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ખાડાને કારણે થતા ટ્રાફિક જૅમથી પરેશાન લોકો, મોટરિસ્ટો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર વિરાર સુધીમાં અનેક ખાડા છે અને નવા જ બનાવવામાં આવેલા કૉન્ક્રીટના રોડ પર પણ મોટા-મોટા ખાડા પડી ગયા છે. ત્રણ દિવસ પહેલાં કલાકો સુધી ટ્રાફિક જૅમ રહેવાને કારણે મુંબઈની હૉસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્ત બાળકને લઈ જતી કાર ટ્રાફિકમાં અટકી જતાં તેનું મૃત્યુ થયું હતું. વસઈના સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક જૅમની આ રોજની સમસ્યાને કારણે અકળાયા છે. તેમનું કહેવું છે કે જો તેઓ (ઑથોરિટી) રોડ મેઇન્ટેઇન ન કરી શકતા હોય તો તેઓ ટોલ કેવી રીતે ઉઘરાવી શકે, જ્યાં સુધી રસ્તા ખાડામુક્ત નથી થતા ત્યાં સુધી અમે હવે ટોલ નહીં આપીએ. આ માટે જનઆંદોલન પણ કરવામાં આવશે. આવા ખરાબ રોડ બનાવનારા કૉન્ટ્રૅક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે એવી ભાવના સ્થાનિકોએ વ્યક્ત કરી છે. 

એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના વસઈના જિલ્લા પ્રમુખ નીલેશ તેન્ડુલકરે આ બાબતે કહ્યું હતું કે ‘એક નાના બાળકનું મૃત્યુ થયું છે એ કમનસીબી છે. વસઈના આ હાઇવે પર મહિનામાં ૫૦ લોકોનાં મૃત્યુ થાય છે અને એ માટે કોઈને પણ જવાબદાર ઠેરવાતા નથી. મરનારના પરિવારને થોડીઘણી રકમ આપીને મામલો પતાવી દેવામાં આવે છે. એના કરતાં આ માટે ખરેખર જે જવાબદાર છે તે લોકો સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે એનું ઉદાહરણ દેશભરમાં આપી શકાય.’

mumbai news mumbai ahmedabad mumbai traffic mumbai traffic police eknath shinde shiv sena vasai mumbai potholes