મલાડની BMCની સ્કૂલના પ્રાઇવેટાઇઝેશનના મામલે ધમાલ

25 August, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે કહ્યું કે એજ્યુકેશન કંઈ વેચવા માટે નથી : મંગલ પ્રભાત લોઢાએ જવાબ આપ્યો કે જો માલવણીનાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થતું હોય તો એનો વિરોધ શા માટે કરવો જોઈએ?

ગઈ કાલે માલવણીની સ્કૂલની બહાર મંગલ પ્રભાત લોઢા. તસવીર : ધીરેન ભોઈકર

મલાડ-માલવણીની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્કૂલના પ્રાઇવેટાઇઝેશનના મુદ્દે ગઈ કાલે બબાલ મચી ગઈ હતી. સેંકડોની સંખ્યામાં વાલીઓ, કૉન્ગ્રેસના કાર્યકરો, કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડ અને વિધાનસભ્ય અસલમ શેખના વડપણ હેઠળ પ્રાઇવેટાઇઝેશનનું જોરદાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  તેમણે જોરદાર નારાબાજી કરી હતી અને BMCના આ નિર્ણયને ફેરવી તોળવામાં આવે એવી માગણી કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે BMC આ સ્કૂલ કોઈક ફાઉન્ડેશનને આપી દેવા માગે છે.

અસ્લમ શેખે કહ્યું હતું કે ‘મ્યુનિસિપલ સ્કૂલના પ્રાઇવેટાઇઝેશનને કારણે બાળકોના ભવિષ્યને સીધી અસર થશે. કૉન્ગ્રેસ આ બાબત ક્યારેય અમલમાં નહીં લાવવા દે. જો તાત્કાલિક ધોરણે આ નિર્ણય ફેરવી ન તોળ્યો તો અમે હજી આનાથી વધુ ઉગ્ર આંદોલન કરીશું. અમે ગલીથી શરૂ કરીને આંદોલનને સંસદ સુધી પહોંચાડી દઈશું.’

વર્ષા ગાયકવાડે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘એજ્યુકેશન એ દરેક બાળકનો અધિકાર છે. એ કૉન્ટ્રૅક્ટરને અને પ્રાઇવેટ પાર્ટીને સોંપી દેવું એ તેમનો અધિકાર છીનવી લેવા સમાન છે. કૉન્ગ્રેસ આ અન્યાય સામે દરેક સ્તરે લડશે. BMC કરોડો રૂપિયા આ સ્કૂલો માટે ખર્ચે છે જેથી ગરીબોનાં બાળકો અને કામગારોનાં બાળકો એમાં ભણી શકે. જો આ સ્કૂલો પ્રાઇવેટ ઑર્ગેનાઇઝેશનને હૅન્ડ-ઓવર કરી દેવાશે તો આ બાળકો એજ્યુકેશન સિસ્ટમની બહાર ફેંકાઈ જશે.’   

સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા વાલીઓએ સ્કૂલમાં ફંક્શન માટે આવેલા મુંબઈ સિટીના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાને પણ ઘેર્યા હતા. જોકે પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

રોહિંગ્યાઓ માટે BMC સ્કૂલ હડપ કરવાનો પ્રયાસ : મંગલ પ્રભાત લોઢા

ફંક્શનમાં સામેલ થયેલા મંગલ પ્રભાત લોઢાએ ત્યાર બાદ એક પ્રેસ-રિલીઝ બહાર પાડી હતી, જેમાં તેમણે અણીદાર સવાલ કર્યા હતા. મંગલ પ્રભાત લોઢાએ એમાં કહ્યું હતું કે ‘BMCના નિર્ણય અનુસાર BMCની સ્કૂલ ચલાવવા માટે કોઈ પણ આગળ આવી શકે છે. કોઈ પણ ચાર્જ ન કરાતો હોય તો મૅન્જમેન્ટની પરવાનગી આપવી એમ એમાં સ્પષ્ટ પ્રમાણે જણાવાયું છે. આ જ પ્રમાણે ૩૦થી ૩૫ જેટલી BMC સ્કૂલો પ્રાઇવેટ સંસ્થાના સહકાર સાથે ચલાવવામાં આવી રહી છે અને એમાં માલવણીની સ્કૂલનો પણ સમાવેશ થાય છે. કોઈ સંસ્થા દ્વારા આગેવાની લેવાના કારણે જો માલવણીનાં બાળકોનું ભવિષ્ય સુર​િક્ષત થતું હોય તો એનો વિરોધ શા માટે કરવો જોઈએ?’

મલાડમાં સૌથી વધુ સરકારી જમીન હતી. એના પર ભીષણ ​અતિક્રમણ કરાયું. હવે શું BMCની સ્કૂલોની જમીન હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું? અહીંના વિધાનસભ્યે શું વિકાસ કર્યોં એ તેઓ કહે. માલવણીમાં આટલો મોટા પ્રમાણમાં રોહિંગ્યાઓ અને બંગલાદેશીઓ ક્યાંથી આવ્યા? તેમને આટલો બધો સહકાર કોણે આપ્યો? એની પાછળનો હેતુ શું?  એવા જોરદાર સવાલ મંગલ પ્રભાત લોઢાએ કર્યા હતા. 

મંગલ પ્રભાત લોઢાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે માલવણીનો વિકાસ કરીએ છીએ. બાળકોને ઉચ્ચ દરજ્જાની સુવિધાઓ આપી રહ્યા છીએ. આ નિર્ણયનો જે વિરોધ કરી રહ્યા છે તેમનાં બાળકો વિદેશમાં ભણે છે. લોકોને ગેરમાર્ગે ન દોરો. આદરણીય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના શાસનમાં વિકાસનાં કામોમાં અંતરાય નાખનારાઓની દાદાગીરી સહન કરાશે નહીં.’

મંગલ પ્રભાત લોઢાએ જિલ્લા નિયોજન સમિતિ મારફત આ સ્કૂલના વિકાસકામ માટે એક કરોડ રૂપિયાની સહાયતા જાહેર કરી હતી. સહાયની રકમમાંથી વિજ્ઞાનની પ્રયોગશાળા, રોબોટિક્સ, કૉમ્પ્યુટર લૅબ, વ્યાયામશાળા, રમવાનાં સાધનો અને અન્ય જરૂરી ચીજો સ્કૂલને લઈ દેવામાં આવશે. આ સુવિધાઓ માટે બાળકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એથી અપપ્રચારને સાચો માની લેવાની ભૂલ ન કરતા.  

mumbai news mumbai brihanmumbai municipal corporation malad political news varsha gaikwad Education