શરદ પવાર પર હુમલાના પગલે શહેર અને રાજ્યભરમાં ઉગ્ર પ્રત્યાઘાત

25 November, 2011 05:41 AM IST  | 

શરદ પવાર પર હુમલાના પગલે શહેર અને રાજ્યભરમાં ઉગ્ર પ્રત્યાઘાત

 

 

મસ્જિદ બંદર સ્ટેશન પર અને કુર્લા રેલવે-સ્ટેશન પર એનસીપીના કાર્યકરો દ્વારા થોડી વાર માટે લોકલ ટ્રેનો અટકાવી દેવામાં આવી હોવાથી ટ્રેનવ્યવહારને અસર થઈ હતી, પણ થોડી વારમાં જ બધું બરાબર થઈ ગયુ હતું. તેમણે બોરીવલી (ઈસ્ટ)માં નૅશનલ પાર્ક પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, મુલુંડ ચેકનાકા, થાણે ચેકનાકા વાહનોની અવરજવર માટે બંધ કરાવી દીધાં હતાં. બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પણ ૪૫ મિનિટ માટે બ્લૉક કરી દીધો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વિક્રોલી, માહિમ, ભાયખલા, સાત રસ્તા જેવા વિસ્તારોમાં રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાં અમુક વિસ્તારોમાં તો દુકાનો પણ જબરદસ્તી બંધ કરાવવામાં આવી હતી. સાયન, દાદર, ઍન્ટૉપ હિલ, શિવાજી પાર્ક, મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, કાંદિવલી જેવા વિસ્તારોમાં પણ રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને દુકાનદારો પાસે જબરદસ્તી દુકાનનાં શટરો બંધ કરાવવામાં આવ્યાં હતાં. નવી મુંબઈમાં એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટ માથાડી કામગારોએ બંધ કરાવી હતી. ૯૦ ટકા માર્કેટ ગઈ કાલે બાર વાગ્યા સુધીમાં બંધ કરાવી દેવામાં આવી હતી. ભાંડુપ અને કાંજુરમાર્ગ પર પણ સાંજ

સુધીમાં દુકાનો બંધ કરાવવામાં આવી દીધી હતી. કાંદિવલી (વેસ્ટ)માં આવેલી મહાવીરનગર, દહાણુકરવાડી, એમ. જી. રોડ, મથુરાદાસ રોડ પરની દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. ઘાટકોપર (વેસ્ટ)માં આર સિટી મૉલને બંધ કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સાંગલી, બીડ અને પુણે પણ એનસીપીના કાર્યકરોએ આજે બંધનું એલાન કર્યું હતું. એનસીપીનાં ચીફ વંદના ચવાણે કહ્યું હતું કે ‘અમે કોઈની સાથે જબરદસ્તી કરી નહોતી. અમે બધાને કહ્યું હતું કે જેને પણ પવારસાહેબ સાથે પ્રેમ હોય તેઓ બંધ કરે. આ બંધ શાંતિપૂર્ણ હતો. બીડ અને સાંગલીમાં આજે પણ બંધ પાળવામાં આવશે.’

નાશિક અને ઉસ્માનાબાદમાં પથ્થર ફેંકવાની ત્રણ ઘટના બની હતી, જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બે બસ અને એક ટ્રકને નુકસાન થયું હતું. એનસીપીના કાર્યકરોએ ત્રિમ્બક રોડ અને નાશિક પર રસ્તારોકો આંદોલન કર્યું હતું. બારામતીમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રસ્તારોકો આંદોલન કરવામાં આવતાં વેહિકલો કલાકો સુધી અવરજવર કરી નહોતાં શક્યાં.