10 October, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું
થાણેમાં ગઈ કાલે કેટલાંક આંબેડકરવાદી સંગઠનોએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ હુમલાના પ્રયાસને તેમણે ન્યાયપાલિકાનું અપમાન અને સંવૈધાનિક મૂલ્યો પરનો હુમલો ગણાવ્યો હતો.
૬ ઑક્ટોબરે ૭૧ વર્ષના વકીલ રાકેશ કિશોરે સુપ્રીમ કોર્ટમાં CJI તરફ ચંપલ ફેંક્યું હતું. આ ઘટના સામે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગઈ કાલે આ ઘટના સામે વિરોધ-પ્રદર્શન કરવા આંબેડકરવાદી સંગઠનના ઍક્ટિવિસ્ટો થાણેના કોર્ટ નાકા પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ભેગા થયા હતા. તેમણે પ્લૅકાર્ડ્સ બતાવીને અને નારાબાજી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઍક્ટિવિસ્ટોએ થાણે પોલીસ-સ્ટેશનમાં વકીલ રાકેશ કિશોર સામે શેડ્યુલ્ડ કાસ્ટ્સ ઍન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (SC-ST) ઍક્ટ હેઠળ કેસ રજિસ્ટર કરવા માટેની ફરિયાદ પણ આપી હતી.
CJIનો અપમાનજનક વિડિયો પોસ્ટ કરનાર સામે પનવેલમાં FIR
એક સોશ્યલ મીડિયા યુઝરે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈને નિશાન બનાવતો એક અપમાનજનક વિડિયો ફરતો કર્યો હોવાનો આરોપ છે. આ માટે એક વકીલે નવી મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. નવા પનવેલ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અનુસાર આરોપીએ ‘કિક્કી સિંહ’ યુઝરનેમનો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં CJI ગવઈને ખૂબ જ અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આ વિડિયો ફેલાવવા પાછળનો હેતુ જાતિઆધારિત નફરત ફેલાવવાનો હોઈ શકે છે. જસ્ટિસ ગવઈ ભારતના પહેલા દલિત ચીફ જસ્ટિસ હોવાથી તેમની વિરુદ્ધ આવો અપમાનજનક વિડિયો બનાવવામાં આવ્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.