આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ

29 August, 2012 08:24 AM IST  | 

આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ

છેલ્લા ચાર મહિનાથી વિરોધનો સામનો કરી રહેલા કૅપિટલ વૅલ્યુ આધારિત પ્રૉપર્ટી-ટૅક્સની આકારણીના વિવાદાસ્પદ ઠરાવને આખરે થાણે મહાનગરપાલિકાની જનરલ બૉડી મીટિંગમાં રદ કરવામાં આવ્યો છે. આ પ્રૉપર્ટી આકારણીની પદ્ધતિ અત્યંત અન્યાયકારક હોવાનું જણાવતાં થાણે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થાણેવાસીઓ પર તેને લાદવામાં આવી રહ્યો હોવાની ટીકા કરતાં બધા જ પક્ષના નગરસેવકોએ એકઅવાજે સુધરાઈના અધિકારીઓની ટીકા કરી હતી.

થાણે શહેરમાં રહેલી પ્રૉપર્ટીની કૅપિટલ વૅલ્યુ નક્કી કરીને તેને આધારે પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવાનો પ્રસ્તાવ થાણેના કમિશનર આર. એ. રાજીવે એપ્રિલમાં મૂક્યો હતો. એને માટે થાણેના નાગરિકો પાસેથી પ્રૉપર્ટીની વૅલ્યુ બાબતનું ડેક્લેરેશન ભરાવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે થાણેના કેટલાક નાગરિકો આ મુદ્દે મુંબઈ હાઈ ર્કોટમાં ગયા હતા અને એને પગલે મુંબઈ હાઈ ર્કોટે‍ થાણે મહાનગરપાલિકા પ્રશાસનને પ્રૉપર્ટી-ટૅક્સના ઇવૅલ્યુએશન બાબતની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ ર્કોટે‍ આપેલા નિર્દે‍શ બાદ નગરસેવકોને કૅપિટલ વૅલ્યુ બેઝડ પ્રૉપર્ટી-ટૅક્સ પદ્ધતિનાં પરિણામોનો અંદાજ આવ્યો હતો અને તેમણે પ્રશાસનની તરફ રહેવાને બદલે નાગરિકોને સાથ દેવાનું નક્કી કર્યું હતું. તેમાંય ગયા જ અઠવાડિયે શિવસેનાએ આ પદ્ધતિનો તીવ્ર વિરોધ હોવાનું જાહેર કર્યા બાદ બધા જ પક્ષના નગરસેવકોએ આ પદ્ધતિનો વિરોધ કર્યો હતો.

શુક્રવારની પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં પાલિકા સભાગૃહના નેતા શિવસેનાના નરેશ મ્હસ્કેએ પ્રૉપર્ટી-ટૅક્સની આકારણીમાં કૅપિટલ વૅલ્યુ બેઝ્ડ પદ્ધતિ અપનાવવાના પ્રસ્તાવને રદબાતલ કરવાની નોટિસ ઑફ મોશન દાખલ કરી હતી અને એના પર અંદાજે સાડાસાત કલાક સુધી નગરસેવકોએ ગંભીર ચર્ચા કરીને પ્રશાસન પર આ પદ્ધતિ લાવવા માટે માછલાં ધોયાં હતાં અને આ પ્રસ્તાવ રદ કરવાની માગણી કરી હતી; પરંતુ પ્રશાસન તરફથી એમ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસ્તાવને રદ ન કરી શકાય, કેમ કે આ મુદ્દે મુંબઈ હાઈ ર્કોટમાં કેસ ચાલી રહ્યો છે. જોકે નરેશ મ્હસ્કેએ પ્રશાસનની ઐસી કી તૈસી કરીને આ પ્રસ્તાવ રદ થવો જ જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો, જેને પગલે મેયર હરિંદ્ર પાટીલે પ્રૉપર્ટી-ટૅક્સની આકારણી માટેના કૅપિટલ વૅલ્યુ બેઝડ પદ્ધતિના ઠરાવને રદબાતલ જાહેર કર્યો હતો.