જગ્યા ખરીદવી છે? આટલું પ્લાનિંગ કરો

28 September, 2012 06:25 PM IST  | 

જગ્યા ખરીદવી છે? આટલું પ્લાનિંગ કરો



દરવાજા કઈ દિશામાં ખૂલશે?

વાસ્તુ કે ફેંગશુઇની આમાં વાત નથી, પરંતુ કેટલીક વ્યાવહારિક સુવિધાની વાત છે. તમે જો દરવાજાની નજીક કબાટ કે સેલ્ફ બનાવવા માગતા હો તો દરવાજો કઈ દિશામાં અને કેટલો વધુ ખૂલે છે એ મહત્વનું રહે છે. દરવાજો ખોલવાથી કબાટ તરફનો માર્ગ બંધ ન થવો જોઈએ.

ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સ

ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સની બાબતે હંમેશાં મહત્વનો નિર્ણય લેવાતો હોય છે. પૉઇન્ટ્સ કઈ જગ્યાએ મુકાવશો? શું પૉઇન્ટ્સ પૂરતી સંખ્યામાં છે? કેટલી ઊંચાઈ પર એ હોવાં જોઈએ? કિચન કે બાથરૂમમાં એ એવી જગ્યાએ ન હોવાં જોઈએ જ્યાં એના પર પાણીના છાંટા ઊડી શકે. અમુક સ્થાને તમે ટૂ-વે સ્વિચિસ લગાવવાનું પણ પસંદ કરી શકો.

ઉપકરણો રાખવાની જગ્યા


ફ્રિજ, વૉશિંગ મશીન, માઇક્રોવેવ વગેરે હવે જીવનની જરૂરિયાતો બની ગયાં છે અને એ માટે યોગ્ય જગ્યા શોધવી જરૂરી છે. મકાન બંધાતું હોય ત્યારે જ જો તમે એનાં સ્થાન નક્કી કરી શકો તો બિલ્ડર એ માટેની અભરાઈઓ, ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સ અને પાણીના પુરવઠાની જોગવાઈ કરી શકે.

કિચન પ્લૅટફૉર્મની ઊંચાઈ

કિચન પ્લૅટફૉર્મની ઊંચાઈ દરેક વ્યક્તિને અલગ-અલગ માફક આવે છે. જો તમે પહેલેથી આ નક્કી કરી લો તો બિલ્ડર એ પ્રમાણે જોગવાઈ કરી શકે. તમે મૉડ્યુલર કિચન ઇચ્છતા હો તો એ પણ તમે આ તબક્કે નક્કી કરી શકો છો.

અભરાઈઓ

મકાન બંધાતું હોય ત્યારે જ જો તમે અભરાઈઓને લગતી પૂર્વસૂચના આપો તો પછીથી એનો ડેકોરેશનમાં પણ ઉપયોગ થઈ શકે છે. આની ચોખવટ બાંધકામ થઈ રહ્યું હોય ત્યારે જ કરી લો.

બારીના પ્રકાર અને કદ

અનેક પ્રકારની બારીઓ ઉપલબ્ધ હોય છે. સ્લાઇડિંગ, રેગ્યુલર, લુવર્સ, સ્વિવેલ વગેરે. તમે રૂમમાં વધુ પ્રકાશ ઇચ્છો છો કે વધુ પ્રાઇવસી એના આધારે બારીનું કદ પણ પહેલેથી નક્કી કરી લો.

ગ્રિલ્સ અને નેટિંગ

સલામતી તમારી પહેલી ચિંતા હોવી જોઈએ. બારી પર ગ્રિલ્સ અને દરવાજા પર કૉલેપ્સેબલ ગ્રિલ્સ વધુ સલામતી આપે છે. બારી પર પ્રોટેક્ટિવ નેટ રાખવાથી જીવજંતુના ત્રાસમાંથી બચી શકાય છે.

પાણીની ટાંકી

મોટા ભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા હોય છે. બાથરૂમમાં જેટ સ્પ્રે, કિચનમાં ગરમ પાણીનો નળ, વૉટર ફિલ્ટરમાં પાણી ભરતો નળ જેવી સુવિધાઓ તમે ઇચ્છતા હો તો એની સ્પષ્ટતા કરો. ઓવરહેડ પાણીની ટાંકી રાખવાથી બાલદીથી પાણી ભરવાની મુશ્કેલી ટાળી શકાશે.

નળ-વૉટર પ્યૉરિફાયરની જગ્યા

તમને નળની ક્યાં અને કેટલી જરૂરિયાત છે એ પહેલેથી વિચારી લો. વૉટર પ્યૉરિફાયર એવી જગ્યાએ રાખવું જોઈએ કે જો પાણી ઓવરફ્લો થાય તો એ સીધું ગટરની સિંકમાં પડે.

ફોન અને ગૅસ

લૅન્ડલાઇન કનેક્શન ક્યાં રાખવું અને ગૅસનું સિલિન્ડર ક્યાં ગોઠવવું એ પહેલેથી નક્કી કરી લો, જેથી ગૅસના પાઇપને ગોઠવવાની જગ્યા પૂરતી રહે, અંદરનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે આ મુદ્દા વિશે વિચારવું જરૂરી છે.

ઉપર જણાવેલી બાબતો વિચારવા થોડું ઍડ્વાન્સ પ્લાનિંગ જરૂરી છે, પરંતુ એના ફાયદા અનેક છે.