પ્રૉપર્ટી માર્કેટમાં છવાયો ઉત્સવોનો ઉત્સાહ

27 October, 2012 07:03 AM IST  | 

પ્રૉપર્ટી માર્કેટમાં છવાયો ઉત્સવોનો ઉત્સાહ




હાલમાં ઉત્સવોનો સમયગાળો ચાલી રહ્યો છે અને આ સમયે લોકોમાં છલકાઈ રહેલા ઉત્સાહની રિયલ્ટી ક્ષેત્ર પર હકારાત્મક અસર પડી છે. આ વર્ષના પહેલા છ મહિના દરમ્યાન સેલ્સ અને ઇન્ક્વાયરીમાં પ્રમાણમાં મંદી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી પ્રૉપર્ટી ખરીદવા માગતી જેન્યુઇન વ્યક્તિઓના હકારાત્મક પ્રતિભાવમાં વધારો થયો છે.

સેન્ટિમેન્ટ્સની હકારાત્મક અસર

પરંપરાગત રીતે ઘર ખરીદવા માટે તહેવારોનો સમયગાળો સારો માનવામાં આવે છે. અજમેરા રિયલ્ટી ઍન્ડ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર ધવલ અજમેરા કહે છે કે ‘તહેવારોેના સમયગાળાને અત્યંત શુભ માનવામાં આવે છે અને સામાન્ય રીતે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છતી વ્યક્તિ પરંપરાગત માન્યતાને લીધે આ સમયગાળામાં પ્રૉપર્ટી લઈ લેવાનું પસંદ કરે છે. ભારતીયોની આ માનસિકતાને કારણે તહેવારોના સમયગાળામાં પ્રૉપર્ટીની ડિમાન્ડમાં વધારો થાય છે.’

સુગી ડેવલપર્સના ડિરેક્ટર આનંદ ગાંધી આ મત સાથે સંમત થતાં કહે છે કે ‘અમને થાણે, દાદર અને મુલુંડના અમારા પ્રોજેક્ટ્સ માટે સારી એવી ઇન્ક્વાયરી મળી રહી છે. આ સિવાય પરવડી શકે એવાં ઘરોના સેગમેન્ટમાં પણ સારી એવી ડિમાન્ડ છે. પુણેના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ ડિમાન્ડ વધી છે, જેને કારણે ઇન્ક્વાયરીમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે.’

નવા પ્રોજેક્ટ લૉન્ચ

વર્ષની શરૂઆતમાં મંદીનો સામનો કર્યા બાદ હવે મેટ્રો અને બીજાં શહેરોમાં નવા પ્રોજેક્ટોની જાહેરાત કરવાની શરૂઆત થઈ છે. સનટેક રિયલ્ટી, તાતા હાઉસિંગ અને લોઢા જેવા મોટા ડેવલપર્સે છેલ્લા પખવાડિયામાં એના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ધવલ અજમેરા કહે છે કે ‘આ ફેસ્ટિવલ સીઝનમાં પ્રીમિયમ હાઉસની બહુ ડિમાન્ડ છે. આ ટ્રેન્ડ હજી વધારે લાંબો ચાલશે, જેમાં ગ્રાહક સ્ટેટ ઑફ આર્ટ આર્કિટેક્ચરવાળા પ્રીમિયમ લક્ઝરી હાઉસની ડિમાન્ડ કરશે. ’

પ્રાઇસ ફૅક્ટર

રિયલ એસ્ટેટ સર્વિસ ફર્મ કુશમૅન ઍન્ડ વેકફિલ્ડ ઇન્ડિયાના તારણ પ્રમાણે ભારતના અર્થતંત્રમાં જે સુધારો નોંધાયો છે એને કારણે મકાનોની ડિમાન્ડને ટેકો મળશે. હાલમાં ટૂંકા ગાળા માટે મકાનની કિંમતો સ્થાયી રહેશે અને ડેવલપર્સ આ તહેવારની સીઝનમાં ગ્રાહકોને આકર્ષવા વધારે સારી આકર્ષક ઑફર્સ અને ઇન્સેન્ટિવના વિકલ્પો આપી શકે છે. આ પરિસ્થિતિ વિશે વાત કરતાં આનંદ ગાંધી કહે છે કે ‘ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝનની સરખામણીએ આ વર્ષે ફેસ્ટિવલ સીઝન વખતે પ્રૉપર્ટીના ભાવ સ્થાયી રહેશે. આ ફેસ્ટિવલ સીઝન દરમ્યાન પ્રૉપર્ટીના વેચાણમાં વધારા પાછળ સિંગલ વિન્ડો ક્લિયરન્સ વ્યવસ્થાનો મોટો ફાળો હશે, કારણ કે ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન પછી કોઈ જ પ્રોજેક્ટને સરકારની મંજૂરી નથી મળી.’

ગ્રાહકોને આકર્ષવાના નવા રસ્તા

આ ઉત્સવોના સમયગાળા દરમ્યાન ગ્રાહકોને આકર્ષવા માટે ડેવલપર્સ કિંમતો ઓછી કરવાના અથવા તો ખરીદદારને પહેલાં બે વર્ષ ઈએમઆઇ ન આપવાનો અથવા તો ફ્રી મૉડ્યુલર કિચન, એલસીડી ટીવી સેટ્સ, સોનાના સિક્કા, વિદેશપ્રવાસ જેવાં આકર્ષણોને વિકલ્પ આપતા હોય છે.  માનવ ગ્રુપના સેલ્સ મૅનેજર અંકિત જૈન કહે છે કે ‘ગ્રાહકોએ આ સીઝનમાં રેટ ડિસ્કાઉન્ટની સાથે-સાથે ગિફ્ટ્સ અને વાઉચર પર પણ નજર રાખવી જોઈએ. અમે કદાચ હડપસરના અમારા પ્રોજેક્ટ માટે ફ્રી સ્ટૅમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો વિકલ્પ આપવાની વિચારણા કરી રહ્યા છીએ. ગ્રાહકો માટે આ સારો સમય છે, કારણ કે તેને ડેવલપર્સ વચ્ચેની સ્પર્ધાને કારણે નિગોશિએશન કરવા માટે સારા વિકલ્પ મળી રહ્યા છે.’

ભવિષ્ય તરફ નજર

આનંદ ગાંધી કહે છે કે ‘જે ખરીદદારો છેલ્લાં બે વર્ષથી પ્રૉપર્ટી ખરીદવાની રાહ જોઈ રહ્યા છે તેઓ હવે પ્રૉપર્ટી ખરીદી લેશે એમ માનવામાં આવે છે, કારણ કે લોન માટેન વ્યાજના દરો પણ ઓછા થયા છે.’

ધવલ અજમેરા કહે છે કે ‘બિનનિવાસી ભારતીયોનું રિયલ્ટીમાં રોકાણ પણ પરિસ્થિતિમાં સારો એવો ભાગ ભજવે છે. હવે ખરીદદારો ઝડપી ગતિથી વધી રહેલા બીજા સ્તરનાં શહેરોમાં રોકાણ કરવા માટે ગંભીરતાથી વિચારે છે.’

ઈએમઆઇ = ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ, એલસીડી = લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે