ઘર લેવા ઇચ્છતા લોકો માટે છે સારા સમાચાર

27 December, 2014 06:44 AM IST  | 

ઘર લેવા ઇચ્છતા લોકો માટે છે સારા સમાચાર


ગયા વર્ષે મ્હાડાની ગઈ લૉટરીમાં ફ્લૅટોના ભાવ મોંઘા હોવાની લોકોની ફરિયાદ હતી. એ ફરિયાદ નવા વર્ષની લૉટરીમાં દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્હાડાના કોંકણ ર્બોડના ચીફ ઑફિસર અને અત્યારે મુંબઈ ર્બોડના ઇન્ચાર્જ ભાઉસાહેબ દાંગડેએ જણાવ્યું હતું કે ‘લગભગ આવતા મે મહિનામાં યોજાનાર લૉટરીમાં ૪૭૦૦ ફ્લૅટ્સ વેચાણ માટે રાખવામાં આવશે. આ ફ્લૅટ્સ લગભગ બંધાઈને તૈયાર છે અને લૉટરીની ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ આવતે મહિને બહાર પાડવામાં આવશે. ૪૭૦૦ ફ્લૅટ્સમાંથી ૩૦૦૦ ફ્લૅટ્સ વિરાર, વેન્ગુર્લા અને બીજા ઠેકાણે, ૧૦૦૦ ફ્લૅટ્સ મુંબઈમાં અને ૭૦૦ ફ્લૅટ્સ થાણેમાં છે.’

જોકે ગયા વર્ષે ભાવ વધારે હોવાની ફરિયાદ વિરાર માટે હતી, પરંતુ આ વખતના ખર્ચ અને પ્રાઇસિંગની ગણતરી કરતાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતની લૉટરીમાં ખાસ્સા ઓછા ભાવ રહેવાની શક્યતા દાંગડેએ દર્શાવી છે. ગયા અઠવાડિયે વેચાણ માટે તૈયાર એવા મ્હાડાનાં રહેઠાણોના ઑડિટમાં ૪૭૦૦ ફ્લૅટ્સ લોકોને વેચાણ માટે ઑફર કરી શકાય એમ હોવાનું સ્પષ્ટ થયું હતું.

વર્ષ ૨૦૧૫ના મે મહિનામાં યોજાનારી લૉટરી માટે જાન્યુઆરી મહિનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું મ્હાડાના સિનિયર ઑફિસરે જણાવ્યું હતું.આ ઑફિસરે લૉટરી વિશે માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે ‘હજી બાંધકામ હેઠળ હોય એવાં મકાનોની લૉટરી નહીં યોજવાનું મ્હાડાએ નક્કી કર્યું છે. ઘણી વખત લૉટરીની વિધિ પાર પાડી હોય અને ફ્લૅટ્સ બંધાયા નહીં હોવાને કારણે જેમને લૉટરીમાં અલૉટમેન્ટ્સ કરવામાં આવ્યા હોય તેમણે ઘરનું પઝેશન મેળવવા માટે રાહ જોવી પડી હોય એવું બનતું હતું. અમે મકાનો તૈયાર થઈ જાય પછી જ લૉટરી યોજવાનું નક્કી કર્યું છે એથી જ અમે બાંધેલાં તૈયાર મકાનોની માહિતી મેળવવા આ મીટિંગ યોજી હતી.’
મુંબઈમાં આ લૉટરીનાં મકાનોનાં સ્થળો વિશે માહિતી મળી નથી, પરંતુ થાણેમાં માનપાડા રોડ અને વિરારમાં બોલિંજ ખાતે આ મકાનો હોવાનું જાણવા મળ્યું છે.