નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું કામ પ્રોજેક્ટગ્રસ્તોએ અટકાવ્યું

05 February, 2020 10:55 AM IST  |  Mumbai

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું કામ પ્રોજેક્ટગ્રસ્તોએ અટકાવ્યું

વિરોધ પ્રદર્શન

ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પ્રોજેક્ટગ્રસ્તોએ ફરી એક વાર આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રોજેક્ટગ્રસ્તોએ પોતાની માગણીઓને આગળ ધરીને જોરદાર આંદોલન કર્યું હતું અને ઍરપોર્ટના કામમાં ખલેલ પહોંચાડી હતી. ઍરપોર્ટના કામમાં વિઘ્ન નાખનારા આંદોલનકારીઓની પોલીસે ધરપકડ કરી હતી.

વાઘીવલી ખાતે પ્રોજેક્ટગ્રસ્તોએ આંદોલન કરીને ઍરપોર્ટના કામમાં વિઘ્ન નાખ્યું હતું. પોલીસે આંદોલનકારીઓ સાથે આંદોલનનું નેતૃત્વ કરનાર અખિલ ભારતીય કિસાન સભાના રાયગડ જિલ્લાના અધ્યક્ષ રામચંદ્ર મ્હાત્રે અને નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પ્રોજેક્ટગ્રસ્ત સમિતિના અધ્યક્ષ અનિલ પાટીલની પણ ધરપકડ કરી હતી.

સિડકોએ અમારી સાથે છેતરપિંડી કરી છે એવો આરોપ કરીને પ્રોજેક્ટગ્રસ્તોએ સિડકો વિરુદ્ધ આંદોલન પોકાર્યું હતું. પનવેલ તાલુકામાં વાઘીવલી ખાતે ૨૩ જાન્યુઆરીથી મુકામ મોરચાના નામે આ આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલનને ગઈ કાલે પોલીસબળનો વપરાશ કરીને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ પ્રોજેક્ટગ્રસ્તોએ કર્યો છે.

શું છે માગણી

જે ઘરોનું સિડકોએ સર્વેક્ષણ કર્યું છે એ ઘરોને નંબર આપવામાં આવ્યા છે અને જે ઘરોના નકશા લેવામાં આવ્યા છે એવા ઘરમાલિકોનાં ઘર નકારીને શૂન્ય પાત્રતા આપવામાં આવી છે. એને રદ કરીને તેઓને પૂરું પૅકેજ લાગુ કરવું. પ્રોજેક્ટને કારણે અસર પામેલા માછીમારોને પ્રચલિત કાયદા અનુસાર પુનર્વસન માટે નુકસાનભરપાઈ આપવી. પ્રોજેક્ટગ્રસ્ત ૧૦ ગામનાં યુવક-યુવતીઓને ઍરપોર્ટ પર પ્રાધાન્ય ધોરણે નોકરી મળી રહે એ માટે સંબંધિત કંપની સાથે સિડકોએ કરાર કરવા અને એ તમામને તાલીમ આપવી. ઘર તૂટ્યા બાદ અનેક કુટુંબ વિખેરાઈ જાય છે. તેઓને નિર્વાહ ભથ્થું, કૃષિમજૂરી અને ઘરનાં ભાડાં આપવાં. પ્રોજેક્ટગ્રસ્તોને ચોરસ ફુટદીઠ ૧૦૦૦ રૂપિયા જેટલો બાંધકામખર્ચ આપવામાં આવતો હોય છે, પણ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સિડકોએ એ રકમ ૨૫૦૦ રૂપિયા જેટલી કરવી.

navi mumbai mumbai airport mumbai news