મુંબઈ: વિરારમાં ફ્લૅટમાંથી મરેલી બિલાડી મળી આવતાં ચકચાર

07 May, 2019 09:11 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: વિરારમાં ફ્લૅટમાંથી મરેલી બિલાડી મળી આવતાં ચકચાર

વિરારના ફ્લૅટમાં જોવા મળતાં બિલાડાં.

વિરારમાં ભાડાના ફ્લૅટમાં ૧૫ બિલાડી અને સાત કૂતરા રાખવા બદલ પંચાવન વર્ષની એક મહિલા અને તેની બે દીકરીઓ સામે અર્નાળા સાગરી પોલીસે ફ્લૅટના માલિકની ફરિયાદ મળ્યા બાદ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફ્લૅટમાં કૂતરા અને બિલાડીઓ જોવા મળવાની સાથોસાથ ભારે ગંદકી જોવા મળી હતી. ત્યાંના રહેવાસીઓએ પણ ફરિયાદ કરી હતી કે અડધી રાતે કૂતરાઓ જોરજોરથી ભસતા હોવાથી અમને ભારે તકલીફ થાય છે.

વિરાર (વેસ્ટ)ના ગ્લોબલ સિટીમાં ‘એમ’ ઍવન્યુમાં ૨૦૧૯ના માર્ચ મહિનાથી ૫૫ વર્ષની શેહનાઝ જાની તેની ૨૨ અને ૨૩ વર્ષની બે દીકરીઓ સાથે ભાડા પર રહે છે. શેહનાઝ સાથે તેની દીકરીઓ જ નહીં, ૧૫ બિલાડીઓ અને સાત કૂતરાઓ પણ રહે છે. જોકે એ બદલ ફ્લૅટના માલિક અને બોરીવલી (વેસ્ટ)માં કસ્તુર પાર્કમાં રહેતા ૫૩ વર્ષના ડેઇઝી પરેરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કહ્યું છે કે ‘માર્ચ મહિનામાં શેહનાઝે ફ્લૅટનું ઍગ્રીમેન્ટ કર્યું હતું અને એ વખતે તે જુઠ્ઠું બોલી હતી કે મારી સાથે ફક્ત બે જ કૂતરા રહે છે. ૨૩ માર્ચે મારી વાત બિલ્ડિંગનાં સેક્રેટરી હીનાબહેન સાથે થઈ હતી. તેમણે મને શેહનાઝ સોસાયટીમાં ન્યુસન્સ ફેલાવી રહી હોવાનું તથા કૂતરા અને બિલાડીની ગંદકીને કારણે ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું કહ્યું હતું. એટલે મેં ઘરે જઈને તપાસ કરી ત્યારે મને હકીકતની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે મને કહ્યું કે પખવાડિયા માટે રહેવા દો, હું હવે મારાં પ્રાણીઓને લઈને પુણે શિફ્ટ થવાની છું એટલે મેં તેમને રહેવાની પરવાનગી આપી હતી. ૨૮ માર્ચે વધારાના ૧૫ દિવસ માગ્યા અને તેણે સેક્રેટરીને પણ એ વિશે પત્ર લખ્યો હતો, પરંતુ ૧ મેના દિવસે મેં ફરી મારા ફ્લૅટમાં જઈને જોયું તો હું આર્યચકિત થયો હતો. મારા આખા ઘરમાં ઘણા બધા કૂતરા અને બિલાડા ફરી રહ્યાં હતાં. આખા ફ્લૅટમાં ગંદકી, દુર્ગંધ, પ્રાણીઓનાં ટૉઇલેટ-બાથરૂમ વાસ મારતાં હતાં, એટલું જ નહીં, બળી ગયેલી બિલાડીનું શબ પણ ત્યાં પડ્યું હતું. ભારે મહેનતે મેં ઘર ખરીદ્યું હતું અને આ રીતે એની હાલત થયેલી જોતાં મેં શેહનાઝને તાત્કાલિક ઍગ્રીમેન્ટ રદ કરીને ઘર ખાલી કરવાનું કહી દીધું હતું. બીજી મેએ પણ મેં ઘર ખાલી કરવાનું કહેતાં તેણે મને સોસાયટીના સભ્યો સામે અપશબ્દો કહ્યા હતા અને અંતે મેં પોલીસને જાણ કરી હતી. જોકે કૂતરાઓને તેણે એક રૂમમાં પૂરી રાખ્યા હતા અને બિલાડીઓ કિચનમાંથી લઈ આખા ઘરમાં ફરી રહી હતી.’

અર્નાળાના પોલીસ-ઇન્સ્પેક્ટર અપ્પાસાહેબ લેન્ગારેએ જણાવ્યા પ્રમાણે ‘ફ્લૅટમાલિકની ફરિયાદ પ્રમાણે પોલીસે ત્રણ મહિલાઓ સામે ઍનિમલ ક્રૂઅલ્ટી અને વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. જોકે એક સમસ્યા એ પણ છે કે અમે તેમની ધરપકડ કરીશું તો ફ્લૅટમાં રહેલાં મૂંગાં જનાવરોનું ધ્યાન કોણ રાખશે એટલે અમે અમુક ઍનિમલ વેલ્ફેર સંસ્થાઓનો પણ સંપર્ક કર્યો છે.’

બોરીવલીનાં ઍનિમલ ઍક્ટિવિસ્ટ વૈશાલી ચવ્હાણે કહ્યું હતું કે ‘આ વિશે મને જાણ થઈ હતી એટલે મેં અન્ય ઍક્ટિવિસ્ટ સાથે વાત કરીને ઘણાં કૂતરાં-બિલાડાં હોવાથી બધા થોડાં-થોડાં લઈશું એવી વાત કરી હતી, પરંતુ પ્રાણીઓ કેવી હાલતમાં છે એ જોવા માટે મેં મારા એક માણસને ત્યાં મોકલ્યો ત્યારે ત્યાં તેને રોષે ભરાયેલા લોકોએ માર માર્યો હતો. જો આ રીતે કરવામાં આવે તો કેવી રીતે કામ કરી શકાય. અમને ફક્ત મૂંગાં જનાવરોનું ભલું કઈ રીતે થાય એમાં જ રસ છે. બિલાડી-કૂતરાઓની કસ્ટડી કાયદાકીય પ્રક્રિયા વગર લઈ શકાશે નહીં.’

આ પણ વાંચો : પુખ્ત થયા બાદ પતિ સાથે રહેવા ઇચ્છતી સગીરાનાં લગ્ન માન્ય ગણાય : હાઈ કોર્ટ

નાલાસોપારામાં રહેતાં ઍનિમલ ઍક્ટિવિસ્ટ ભાવના જોગડિયાના કહેવા પ્રમાણે ‘આ મહિલા પહેલાં નાલાસોપારામાં રહેતી હતી અને ત્યાંથી તે વિરાર રહેવા આવી છે. ફ્લૅટમાંથી ખૂબ ખરાબ દુર્ગંધ આવી રહી હતી. જનાવરોનો ઉકેલ લાવવાના અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.’

virar mumbai mumbai news