મુંબઈમાં ટેન્થની ટૉપર: કચ્છી ક્રિશાની કમાલ

09 June, 2019 11:18 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈમાં ટેન્થની ટૉપર: કચ્છી ક્રિશાની કમાલ

ક્રિશા શાહ

મહારાષ્ટ્રના ટેન્થના રિઝલ્ટમાં મોટા ભાગે છોકરીઓ ટૉપ કરતી હોય છે. આ વખતે પણ ગઈ કાલે જાહેર થયેલાં દસમીનાં રિઝલ્ટમાં ગર્લ્સ-ગૅન્ગે બાજી મારી છે અને એમાં પણ મુંબઈની ટૉપર ક્રિશા શાહ નિસરે ગુજરાતીઓનું ગર્વ વધાર્યું છે. ખૂબ સહેલાઈથી અભ્યાસ કરીને મોજમસ્તી સાથે ક્રિશાએ આ માક્ર્સ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક્ઝામ પહેલાં ક્રિશાએ પોતાનો મોબાઇલ મમ્મી-પપ્પાને સોંપી દીધો હતો.

મૂળ લાકડિયા ગામની અંધેરી-ઈસ્ટના જે.બી. નગરમાં આવેલા અલોક અપાર્ટમેન્ટમાં રહેતી કચ્છી વાગડ વિસા ઓસવાલ જ્ઞાતિની ક્રિશા નીલેશ શાહ અંધેરીના ચકાલામાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ હાઈ સ્કૂલમાં ભણે છે. ટેન્થમાં ક્રિશાને ૯૯.૨૦ ટકા માર્ક મળ્યા હોવાથી તેણે મુંબઈમાં ટૉપ કર્યું છે. ક્રિશાની મોટી બહેન વૃષ્ટિ પણ સ્ટડીઝમાં એટલી જ બ્રાઈટ છે. તેને ટ્વેલ્થમાં ૯૧.૫ ટકા માર્ક મળ્યા હતા. ક્રિશાના પપ્પા નીલેશભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને મમ્મી પ્રીતિ હાઉસવાઇફ છે.

સફળતા અણધારી હોવાનું કહીને ક્રિશાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં ૯૮ ટકા સુધી રિઝલ્ટ આવશે એવી અપેક્ષા રાખી હતી, પરંતુ એટલા સારા ટકા આવ્યા અને મુંબઈની ટૉપર બની એની ઘણી ખુશી છે, પરંતુ ટૉપર બનીશ એવું વિચાર્યું જ નહોતું.’

એક્ઝામ પહેલાં મોબાઇલ ફોન આપી દીધો હતો એવું ઉમેરતાં ક્રિશાએ કહ્યું હતું કે ‘એક્ઝામ ચાલુ થઈ એ પહેલાં જાન્યુઆરીમાં મેં મારો મોબાઇલ મમ્મી-પપ્પાને આપી દીધો હતો. રાતે અડધો કલાક હું મોબાઇલ પાછો લેતી અને ફરી પાછી આપી દેતી હતી. એક્ઝામ વખતે મોબાઇલ તો ભૂલી જ ગઈ હતી. મમ્મીની તબિયત પણ વચ્ચે ખૂબ ખરાબ થતાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી ત્યારે થોડું ટેન્શન હતું.’           

આગળ ખૂબ ભણવું છે અને મમ્મી-પપ્પાનું નામ રોશન કરવું છે એમ કહેતાં ક્રિશાએ ઉમેર્યું કે ‘હું આગળ સાયન્સ ફીલ્ડમાં જવાની છું અને એન્જિનિયરિંગ કરીશ. મારી ઇચ્છા હતી કે હું ટેન્થમાં નહીં મેળવું તો ટ્વેલ્થમાં તો એટલા ટકા મેળવીશ કે પરિવારજનો મારા પર ગર્વ અનુભવશે અને મીડિયા મારો ઇન્ટરવ્યુ લેશે. આગળ ખૂબ ભણીને મમ્મી-પપ્પાનું નામ આગળ વધારીશ.’

mumbai mumbai news