મુંબઈ: ફરી એક વખત મુંડે V/S મુંડે

08 March, 2019 11:01 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: ફરી એક વખત મુંડે V/S મુંડે

ધનંજય મુંડેએ મહિલા અને બાળવિકાસ ખાતાનાંપ્રધાન પંકજા મુંડે પર લગાવ્યો ૧૦૬ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

મહિલા અને બાળવિકાસ વિભાગનાં મિનિસ્ટર પંકજા મુંડે પર ૧૦૬ કરોડ રૂપિયાનો મોબાઇલ કૌભાંડનો આરોપ તેમના કાકાના દીકરા ભાઈ ધનંજય મુંડે દ્વારા લગાવવામાં આવ્યો છે. આ આરોપ અનુસાર આખા રાજ્યની આંગણવાડી સેવિકાઓ માટે ખરીદવામાં આવેલા મોબાઇલ ૬૦૦૦ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ હોવા છતાં એને માટે ૮૮૭૭ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો આરોપ વિધાન પરિષદના વિરોધ પક્ષ નેતા ધનંજય મુંડે દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ મુદ્દે અદાલતી તપાસ કરવાની માગણી પણ તેમણે કરી છે.

મહારાષ્ટ્રભરમાં એક લાખ વીસ હજાર આંગણવાડીની પ્રમુખ સેવિકાઓ, આંગણવાડી સેવિકાઓ, મિની આંગણવાડીની સેવિકાઓ માટે ઍન્ડ્રૉઇડ મોબાઇલ ખરીદવાનો નિર્ણય મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ૨૦૧૯ની ૨૮ ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો અને એવો શાસન દ્વારા આદેશ પણ અપાયો હતો. એ અનુસાર એક પ્રાઇવેટ લિમિડેટ કંપની પાસેથી પૅનૅસોનિક ઇલુગા આઇ-સેવન મોબાઇલ ફોન પ્રત્યેકના ૮૮૭૭ રૂપિયા આપીને ખરીદી કરવામાં આવી હતી. એ પ્રમાણે વિભાગ પાસેથી ૧૦૬,૮૨,૧૩,૭૯૫ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ મોબાઇલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ધનંજય મુંડે દ્વારા કરવામાં આવ્યો હોવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે. તેમના કહેવા પ્રમાણે ઑનલાઇન આ મોબાઇલ ૬૦૦૦થી લઈને ૬૫૦૦ રૂપિયા સુધી મળી રહે છે. એમ છતાં વધુ પૈસા આપીને એક લાખ વીસ હજાર મોબાઇલ ખરીદવામાં આવ્યા છે તેમ જ આ કંપની દ્વારા મોબાઇલની

કિંમત ઓછી કરવામાં નહીં આવે એવું જાણવા મળવા છતાં આ જ કંપની પાસેથી કેમ ખરીદી કરવામાં આવી એ સમજાતું નથી. આ કિંમતમાં એનાથી પણ સારા અત્યાધુનિક મોબાઇલ માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં માર્કેટમાં ઉપલબ્ધ ન થનારા અને કંપનીએ જેનું પ્રોડક્શન બંધ કરી દીધું છે એવા મોબાઇલ કેમ ખરીદવામાં આવ્યા એ મોટો પ્રશ્ન છે.’

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોયું એટલે આજે આ પરિસ્થિતિ સર્જાઈ : ખડસે

ધનંજય મુંડેએ વધુમાં કહ્યું હતું કે ‘આ મોબાઇલ હાલમાં માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી તેમ જ એનું મૅન્યુફૅક્ચરિંગ કંપનીએ ચાર મહિલા પહેલાં જ બંધ કર્યું હોવા છતાં કંપનીનો જૂનો માલ વેચવા મદદ કરવા સરકારે ૧૦૬ કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં, જે કંપનીને ૧૦૬ કરોડ રૂપિયાની કિંમતના મોબાઇલ આપવાનું કામ આપવામાં આવ્યું છે એ કંપનીની કાયદેસર શૅર-કૅપિટલ ફક્ત ચાર કરોડ ૯૨ લાખ ૬૫ હજાર છે. આ મોબાઇલની ખરીદીનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરીને આ ગોટાળાની તપાસ કરવાની માગણી કરી છે.’

ખરીદીની બધી પ્રક્રિયા પોર્ટલ પર પારદર્શક પદ્વતિથી થઈ છે : પંકજાના ખાતાનો ખુલાસો

વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડે દ્વારા કરાયેલા ગંભીર આરોપ બાદ મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવ્યું હતું કે ‘આંગણવાડી સેવિકાને આપવામાં આવેલા સ્માર્ટફોન વિશે માર્કેટ કરતાં વધુ ભાવમાં મોબાઇલ ખરીદી કર્યા હોવાનો આરોપ મુકાયો છે; પરંતુ આ સ્માર્ટફોનમાં બાળકોની પોષણ વિશે માહિતી અપલોડ કરવા માટે મોબાઇલ ડિવાઇસ મૅનેજમેન્ટ સૉફ્ટવેર, ૩૨ GB ડેટા SD કાર્ડ, ડસ્ટપ્રૂફ પાઉચ, સ્ક્રીન-પ્રોટેક્ટર વગેરે વસ્તુઓનો પણ સમાવેશ છે. એથી ટેન્ડરપ્રક્રિયામાં માન્ય કરવામાં આવેલી કિંમત ફક્ત મોબાઇલની નથી, પણ આ બધી વસ્તુઓની એકસાથેની કિંમત છે. પૂરી જાણકારી લીધા વગર જ અધૂરી માહિતી સાથે આરોપ કરવામાં આવ્યો હોવાનું વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે’

pankaja munde mumbai news