મધર્સ ડેની પૂર્વસંધ્યાએ વિરારમાં માતા-પુત્રે ઝેર પીને જીવન ટૂંકાવ્યું

12 May, 2019 10:40 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મધર્સ ડેની પૂર્વસંધ્યાએ વિરારમાં માતા-પુત્રે ઝેર પીને જીવન ટૂંકાવ્યું

મધર્સ ડેની પૂર્વસંધ્યાએ ઝેર પીને આપઘાત કરનાર માતા સરસ્વતી અને દીકરો વિનય ચૌગુલે. : વિનયને ક્રિકેટમાં અનેક ટ્રોફી મળી હતી.

વિરાર પોલીસે શુક્રવારે રાતે માતા અને ૨૫ વર્ષના તેના યુવાન પુત્રે ઝેર પીને આત્મહત્યા કર્યાની ઘટના નોંધી છે.

જોકે પોલીસને અત્યાર સુધી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. વિરાર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ મળ્યા પછી વધુ વિગત પ્રકાશમાં આવવાની અપેક્ષા પોલીસ રાખી રહી છે.

આ બનાવ વિશે માહિતી આપતાં વિરારના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર આર. પરદેશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિરાર-ઈસ્ટમાં નારંગી વિસ્તારની સાઈ હેરિટેજ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના ફ્લૅટમાં સરસ્વતી ચૌગુલે તેમના દીકરા વિનય ઉર્ફે દાદુ સાથે રહેતાં હતાં. શનિવારે સવારે પાડોશીએ બારીમાંથી બન્નેના દેહ જોયા પછી વિનયના ૩૬ વર્ષના પિતરાઈ ભાઈ અશોક ચૌગુલેને જાણ કરી હતી. અશોકે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસને જાણ કરી હતી.

ત્યાર બાદ દરવાજો તોડીને અંદર ગયેલો પોલીસ-સ્ટાફ માતા-પુત્રને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ બન્ને મૃત્યુ પામ્યાં હોવાનું કહ્યું હતું.  થોડાં વર્ષ પહેલાં પતિ પ્રકાશના મૃત્યુ બાદ સરસ્વતી લોકોનાં ઘરકામ કરતી હતી અને વિનય એક કંપનીમાં છૂટક નોકરી કરતો હતો. લીધેલી બૅન્ક-લોન પાછી ચૂકવવામાં અસમર્થતાને લીધે માતા-પુત્ર ટેન્શનમાં હતાં. ઉઘરાણી માટે વારંવાર બૅન્કના અધિકારીઓ ફોન કરતા હોવાથી સરસ્વતી અને વિનય પરેશાન હતાં.’   

આ પણ વાંચો : અમદાવાદ: સંતાનો માટે મમ્મી બન્યા મૂળજીભાઈ        

નારંગીમાં રહેતા વિનયના એક મિત્રે કહ્યું હતું કે ‘વિરાર-ઈસ્ટના સાયબા ક્રિકેટ ક્લબ હેઠળ અને અન્ય ક્લબના નેજા હેઠળ વિનય અનેક મૅચ રમ્યો છે. તે ક્રિકેટમાં ખૂબ રસ ધરાવતો હતો. વિનય આવું પગલું ભરશે એવું તેના વર્તન પરથી ક્યારેય લાગ્યું નહોતું.’

virar mumbai mumbai news