150 વર્ષ જૂના હનુમાન મંદિરના લાખો રૂપિયાના દાગીના સાથે પૂજારી પલાયન

18 May, 2019 01:04 PM IST  |  મુંબઈ

150 વર્ષ જૂના હનુમાન મંદિરના લાખો રૂપિયાના દાગીના સાથે પૂજારી પલાયન

પલાયન થયેલ પૂજારી

ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિલેજમાં આવેલા ૧૫૦ વર્ષ જૂના શ્રી સંકટ મોચન હનુમાન મંદિરમાંથી સાડાત્રણ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના સાથે પૂજારી પલાયન થઈ ગયા છે.

પોલીસે જણાવ્યા મુજબ ૭૬ વર્ષના મહંત નાગા રામદાસજી મહારાજને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં કુંભમેળામાં જવાનું હોવાથી મંદિરની સામે રહેતા ઑટોરિક્ષા ચલાવતા રાજ મિશ્રાના જમાઈ વિકાસ સિયારામ તિવારીને મંદિરની જવાબદારી સોંપી હતી. આ યુવક મંદિરની દેખભાળ રાખવાની સાથે પૂજાપાઠ પણ કરશે એવા વિશ્વાસથી મહંત તેમને મંદિરની ચાવી સોંપીને કુંભમેળામાં જતા રહ્યા હતા.

મહંત કુંભમેળામાંથી પાછા આવ્યા ત્યારે વિકાસ તિવારી તેમને જોઈને સસરાના ઘરે જઈને આવું છું કહીને ચાલ્યો ગયો હતો. સાંજે મહંતે મંદિર ખોલ્યું ત્યારે તેઓ ચોંકી ઊઠuા હતા. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર ચડાવેલા ૧૦૦ ગ્રામ સોનાના અને દોઢ કિલો ચાંદીના દાગીના ગાયબ હતા. તેમણે તરત વિકાસ તિવારીને ફોન કરીને એ વિશે પૂછતાં તેણે કહ્યું કે હું ગામ જઈ રહ્યો છું, આવીને મળીશ. પોતે જેમના પર વિશ્વાસ મૂક્યો હતો તે સસરા-જમાઈ મંદિરમાંથી સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના સાથે પલાયન થઈને પોતાની સાથે વિશ્વાસઘાત કયોર્ હોવાનું સમજાતાં તેમણે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતી યુવકનું હિચકારું કૃત્ય : પોલીસે કરી ધરપકડ

ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અંકુશ કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં નારી સેવા સદન રોડ પર આવેલા શ્રી સંકટ મોચન હનુમાન મંદિરના મહંતે મૂર્તિ પરના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણે મંદિર સંભાળવા માટે મૂકેલા પૂજારી વિકાસ તિવારી અને તેના સસરાનું આ કારસ્તાન હોવાની તેમને શંકા હોવાથી અમે બન્નેને શોધી રહ્યા છીએ. તેમના મોબાઇલ ફોનના ટ્રૅકિંગથી તેઓ અત્યારે ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ લાંબા સમય સુધી કાનૂનથી ભાગી નહીં શકે, અમે તેમને ટૂંક સમયમાં પકડી લઈશું.’

mumbai news