07 October, 2025 10:40 AM IST | Ulhasnagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગરના સેક્ટર પાંચમાં આવેલા શાંતિસદન સરકારી મહિલા સુધારગૃહમાંથી ૧૧ મહિલાઓ ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. શનિવારે રાતે ફરજ પર રહેલી બે મહિલા પોલીસ કૉન્સ્ટેબલને બ્લૅન્કેટથી બાંધીને આ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી.
આ મામલે હિલલાઇન પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. ગઈ કાલ સુધીમાં ૭ મહિલાઓને શોધી કાઢવામાં આવી હતી, જ્યારે ૪ મહિલાઓ હજી પણ ગુમ છે. ગયા મહિને પણ આ સુધારગૃહમાંથી ૮ યુવતીઓ ભાગી ગઈ હતી. આ કારણે ઉલ્હાસનગરમાં કન્યા અને મહિલા છાત્રાલયોમાં સુરક્ષાની ખામીઓ ફરી એક વાર બહાર આવી છે.
કેવી રીતે ફરાર થઈ કેદીઓ?
હિલલાઇન પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સુધારગૃહની બહાર ફરજ પર રહેલી પોલીસ કૉન્સ્ટેબલ દીપાલી શિંદેને અંદરથી ‘બચાઓ બચાઓ’ અવાજ આવ્યો હતો. એ સમયે દીપાલી કોમલને બચાવવા અંદર ગઈ ત્યારે ૧૧ મહિલાઓએ મળીને બન્નેને બાંધી દીધી હતી. ત્યાર બાદ મેઇન ગેટની ચાવી મેળવીને તેઓ ભાગી ગઈ હતી. આ ઘટના બાદ સુધારગૃહમાં રહેતી બીજી મહિલાઓએ બન્ને કૉન્સ્ટેબલને છોડાવીને આ ઘટનાની જાણ અમને કરી હતી.’