ઓશિવરાની કરોડોની જમીન હેમા માલિનીને માત્ર રૂ. ૭૦,૦૦૦માં પધરાવી

30 January, 2016 04:07 AM IST  | 

ઓશિવરાની કરોડોની જમીન હેમા માલિનીને માત્ર રૂ. ૭૦,૦૦૦માં પધરાવી



રાજ્ય સરકારે મથુરાનાં સંસદસભ્ય અને ઍક્ટ્રેસ હેમા માલિનીને ડાન્સ ઍકૅડેમી ખોલવા માટે અંધેરીમાં જે ૨૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ ફાળવ્યો છે એની કિંમત માત્ર ૭૦,૦૦૦ રૂપિયા છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતી જાહેર થયા બાદ હવે મોટો વિવાદ થયો છે અને કૉન્ગ્રેસે રાજ્ય સરકાર પર ડબલ સ્ટાન્ડર્ડ અને પ્લૉટ ફાળવવા માટેની પ્રક્રિયામાં ગરબડનો આરોપ લગાવ્યો છે. જોકે રાજ્ય સરકારના સૂત્રોએ ગઈ કાલે રાતે કહ્યું હતું કે આ પ્લૉટની કિંમત હજી નક્કી થઈ નથી. હેમા માલિનીને અગાઉ અપાયેલો પ્લૉટ પણ પાછો લઈ લેવામાં આવશે. 

જોકે રાજ્ય સરકારે પણ તાત્કાલિક કૉન્ગ્રેસના નેતાઓને જવાબ આપતાં કહ્યું છે કે ‘પહેલી વાર આવું થયું નથી. કૉન્ગ્રેસે પણ આવી રીતે જ સાંસ્કૃતિક સંસ્થાઓને પ્લૉટની લહાણી કરી છે.’

રેકૉર્ડ દર્શાવે છે કે ઉપનગરોના કલેક્ટરે હેમા માલિનીના નાટ્ય વિહાર કલા કેન્દ્રને ઓશિવરામાં ૩૫ રૂપિયા પ્રતિ ચોરસ ફુટના દરે આ જમીન આપી છે. કાયદા મુજબ આ દર ૧૯૭૬માં નક્કી થયા હતા. આ દર સાંસ્કૃતિક ટ્રસ્ટો માટે નક્કી કરવામાં આવ્યા હતા. જોકે આ જમીનની માર્કેટ-વૅલ્યુ કરોડો રૂપિયા થાય છે. અગાઉ પણ હેમા માલિનીને એક પ્લૉટ આપવામાં આવ્યો હતો પણ એમાં વિવાદ થયો હતો.

કૉન્ગ્રેસનો વિરોધ

આ સંદર્ભે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રેસિડન્ટ અશોક ચવાણે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘આ સરકારે તેમની પાર્ટીનાં સંસદસભ્ય માટે ડબલ સ્ટાન્ડર્ડ અપનાવ્યું છે. પહેલાં તેઓ કહેતા હતા કે અમે સરકારી જમીન આપવા માટે નવી પૉલિસી બનાવીશું પણ આ કેસમાં કોઈ પ્રોસીજર ફૉલો કરવામાં નથી આવી.’

શું કહ્યું સરકારે?

જોકે કૉન્ગ્રેસના આરોપના પગલે રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ જવાબ આપતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં જમીન ફાળવવા માટેની ટ્રેડિશન તમે સેટ કરી છે. યશવંતરાવ ચવાણ, વસંતદાદા પાટીલ અને શંકરરાવ ચવાણ સહિતના કૉન્ગ્રેસના નેતાઓના નામે શરૂ કરવામાં આવેલી સંસ્થાઓ પ્રાઇમ લોકેશનો પર માત્ર એક રૂપિયાની લીઝ પર કૉન્ગ્રેસે આપી છે.’