ભારત એકવીસમી સદીનો સૌથી ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યું છે

14 April, 2026 08:35 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં મહિલા અનામત બિલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ગઈ કાલે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત સંમેલનમાં મહિલાઓને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.

મહિલાઓને લોકશાહી માળખામાં અનામત આપવાની માગણી છેલ્લાં ૪૦ વર્ષથી ચાલી રહી છે. આમાં અનેક પેઢીઓ અને તમામ પક્ષોનો ફાળો રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે રાજ્યની વિધાનસભાથી લઈને દેશની સંસદ સુધી મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. - નરેન્દ્ર મોદી

ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવા યુગના પ્રારંભના સંકેત આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત એકવીસમી સદીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યું છે. નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ને સંબોધિત કરતાં વડા પ્રધાને મહિલા અનામત બિલને ‘નારી શક્તિ’ના સન્માનમાં લેવાયેલું અભૂતપૂર્વ ડગલું ગણાવ્યું હતું.

વડા પ્રધાને જાહેરાત કરી હતી કે દાયકાઓથી જેની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે એ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) પર આગામી ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સંસદમાં વ્યાપક ચર્ચા કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ રાજકીય પક્ષો પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને મહિલા સશક્તીકરણના આ કાર્યમાં સહયોગ આપશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં વધુમાં ઉમેર્યું હતું કે ‘આ નિર્ણય મહિલા શક્તિના સન્માન અને પૂજન માટે સમર્પિત છે. દેશની સંસદ એક નવો ઇતિહાસ રચવાની નજીક છે જે ભૂતકાળના સંકલ્પોને ભવિષ્યની વાસ્તવિકતા બનાવશે.’ 

વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ‘૨૦૨૯ સુધીમાં આ કાયદાને કોઈ પણ સંજોગોમાં અમલી બનાવવાની સર્વસંમતિ સાધવા સરકાર કટિબદ્ધ છે. સામાજિક ન્યાય માત્ર સૂત્ર બનીને ન રહેતાં આપણી કાર્યસંસ્કૃતિનો હિસ્સો બને એ માટે આ નિર્ણય નિર્ણાયક સાબિત થશે.’

આ પ્રસંગે દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન અન્નપૂર્ણા દેવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંમેલન નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩ને અમલી બનાવવાના સમર્થનમાં રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરવામાં આવ્યું હતું.

narendra modi india national news parliament indian government