બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા રાષ્ટ્રવાદી નેતા પર રાજીનામાનું દબાણ

14 January, 2021 09:10 AM IST  |  Mumbai | Mumbai correspondent

બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા રાષ્ટ્રવાદી નેતા પર રાજીનામાનું દબાણ

ધનંજય મુંડે કહે છે કે આરોપ મૂકનારની મોટી બહેન જોડે તેમનો સંમતિપૂર્વકનો સંબંધ છે. એ સંબંધમાં જન્મેલાં બે સંતાનોને તેમણે પોતાનું નામ આપ્યું છે. તસવીરઃ અતુલ કાંબળે)

બળાત્કાર અને માહિતી છુપાવવાના આરોપોના અનુસંધાનમાં રાજીનામાની માગણીઓ વચ્ચે રાજ્ય સરકારના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા ધનંજય મુંડે ગઈ કાલે તેમના પક્ષપ્રમુખ શરદ પવારને મળ્યા હતા.
ધનંજય મુંડેએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મારી સામે બળાત્કારના આરોપો ખોટા છે અને મને બ્લૅકમેલ કરવામાં આવી રહ્યો છે. મારી સામે આરોપ મૂકનારની મોટી બહેન જોડે મારો સંમતિપૂર્વકનો સંબંધ છે અને અમારા સંબંધથી જન્મેલાં બે સંતાનોને મેં મારું નામ આપ્યું છે. તે બાળકો મારા પરિવાર જોડે રહે છે. એ બાળકોની માતાને હું ખૂબ સારી સ્થિતિમાં રાખું છું. બ્લૅકમેલના પ્રયાસ સામે ન્યાય માટે મેં અદાલતમાં અરજી કરી છે.’
જોકે બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે ધનંજય મુંડેનો સ્વીકાર પણ ચોંકાવનારો છે. તેમણે ચૂંટણી પંચને સુપરત કરેલી ઍફિડેવિટમાં ઉક્ત બે બાળકો જોડેના સંબંધનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. બીજેપીની યુવા શાખાએ હિન્દુ મેરેજ ઍક્ટ હેઠળ કેન્દ્રિય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસની માગણી કરી છે. બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરીને ઍફિડેવિટમાં માહિતી છુપાવવા બાબતે તપાસ હાથ ધરવાની માગણી કરી છે. એટલું જ નહીં, બીજેપીની મહિલા પાંખે ધનંજય મુંડે રાજીનામું નહીં આપે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
ધનંજય મુંડેના વિવાદ બાબતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે જણાવ્યું હતું કે ‘કોઈ પણ તારણ પર આવતાં પહેલાં દરેક બાબતની ચકાસણી કરવી જોઇએ. રાજકારણમાં કારકિર્દી ઘડવામાં જીવન ખર્ચાઈ જાય છે.’

mumbai mumbai news