પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા પહેલાં સાવચેતી આવશ્યક

26 December, 2018 07:29 PM IST  | 

પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા પહેલાં સાવચેતી આવશ્યક

સીસીટીવી કૅમેરા

ઘરમાં સ્પાય કૅમેરા બેસાડીને ફિલ્મ બનાવતા લૅન્ડલૉર્ડને આકરી શિક્ષા અપાવવા માટે પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી યુવતીઓએ કમર કસી છે. લૅન્ડલૉર્ડને પોતાના ચાળા પાડતો જોઈને શંકા જતાં યુવતીઓએ ઘરમાં શોધખોળ કરી અને એક ઍડૅપ્ટર મળ્યું હતું. એના પગલે DB માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઘર ભાડે આપીને PG તરીકે રહેતી યુવતીની સ્પાય કૅમેરા વડે ફિલ્મ ઉતારતા લૅન્ડલૉર્ડની સાત દિવસ પહેલાં ગિરગામથી DB માર્ગ પોલીસે ધરપકડ કરી હતી. જોકે તે જામીન પર છૂટી ગયો હતો.

મૉલમાં કે હોટેલની રૂમમાં સાવચેતી રાખીને યુવતીઓએ એનો ઉપયોગ કરવો જોઈએ એ એક સામાન્ય બાબત છે, પરંતુ ઘર ભાડે આપીને સ્પાય કૅમેરા બેસાડી પોતાની વિકૃતિ પોષતા કુંવારા આધેડની ધરપકડ કરી હતી એમ જણાવીને DB માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વર્ષથી યુવતીઓ ગિરગામમાં એક ફ્લૅટમાં રહેતી હતી. થોડા દિવસ પહેલાં ઘરમાં બોલેલાં વાક્યો લૅન્ડલૉર્ડના મોઢે સાંભળતાં યુવતીને ચિંતા થઈ હતી. શરૂઆતમાં તેમની વાતો લૅન્ડલૉર્ડ સાંભળતો હોવાની તેમને શંકા ગઈ હતી, પરંતુ ત્યાર બાદ એક ઇલેક્ટ્રિક ઍડૅપ્ટર જોવા મળ્યું હતું. એના પર રૂમાલ ઢાંકી દીધો હતો. બીજા જ દિવસે લૅન્ડલૉર્ડ આવ્યો અને તેણે એ રૂમાલ હટાવ્યો હતો. એથી યુવતીઓને વધુ શંકા થઈ અને તેમણે ઍડૅપ્ટર વિશે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું ત્યારે એ ઍડપ્ટર સ્પાય કૅમેરા હોવાની જાણ થઈ હતી.’

 લૅન્ડલૉર્ડ પોતાની ફિલ્મ બનાવતો હોવાની શંકા જતાં યુવતીઓએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી એમ જણાવીને સૂર્યકાંત બાંગરે કહ્યું હતું કે ‘૧૯ ડિસેમ્બરે ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ લૅન્ડલૉર્ડની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ઍક્ટ અંતર્ગત જામીન મળવાની જોગવાઈ હોવાથી બાવીસ ડિસેમ્બરે તેણે જામીન મેળવ્યા હતા. તેના લૅપટૉપમાંથી વર્ષભર જૂના વિડિયો પણ મળ્યા હતા. તેણે આ વિડિયો સોશ્યલ સાઇટ પર શૅર કર્યા છે કે નહીં એ વિશે તપાસ ચાલી રહી છે.’

mumbai news