કોરોનાનો રેલો પગ સુધી ન પહોંચે એ માટે પ્રિકોશન અનિવાર્ય: ડૉ અનંત ભાણ

13 March, 2020 09:10 AM IST  |  Mumbai

કોરોનાનો રેલો પગ સુધી ન પહોંચે એ માટે પ્રિકોશન અનિવાર્ય: ડૉ અનંત ભાણ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ વધતા જાય છે ત્યારે નવા રોગચાળાના ઇન્ફેક્શનથી બચવા સાવચેતીનાં પગલાં શહેરના દરેક નાગરિકે સમજી લેવાં જરૂરી છે. આ પગલાં સરકાર, નાગરિકો અને અન્ય તમામ સ્તરે અનિવાર્ય છે. સાર્વજનિક આરોગ્ય સંદર્ભે સરકારની વિશેષ સત્તાઓના અમલ તથા જનતાના સહયોગ અને સામેલગીરીની પણ આવશ્યકતા છે.

મહારાષ્ટ્રમાં આપણે સામાજિક સંપર્કો અને સંસર્ગો ટાળવા તેમ જ સંમેલનો-લોકમિલનોના કાર્યક્રમ રદ કરવા-મુલતવી રાખવાની જરૂર છે. સિનેમાહૉલ, બજારો, શૉપિંગ મૉલ્સ, સ્ટેડિયમ્સ તથા જાહેર સ્થળોએ યોજાતા કાર્યક્રમો થોડા વખત માટે બંધ રાખવાની જરૂર છે. અત્યંત જરૂરી ન હોય તો પ્રવાસ પણ ન કરવો જોઈએ. એમાં કંપનીઓનો સહકાર પણ જરૂરી છે. ઍરલાઇન્સ, રેલવે તંત્ર, બસ કૉર્પોરેશન્સ વગેરેને કૅન્સલેશન અને રીશેડ્યુલિંગ ફી ઘટાડવાનું પ્રોત્સાહન આપીને સરકાર મદદરૂપ થઈ શકે છે. પીક-અવર્સમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોની સંખ્યા ઘટાડવા માટે ઘરબેઠાં કામ કરવાની સગવડ તથા કામકાજના કલાકોમાં ફેરફારની જોગવાઈઓને પ્રોત્સાહન આપવું જોઈએ. શાળાઓ અને કૉલેજોમાં ક્લાસિસ કૅન્સલ કરવા, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ખૂબ મહત્વની ન હોય એવી પરીક્ષા મુલતવી રાખવા અને હાલ ફક્ત ખૂબ મહત્ત્વની પરીક્ષાઓ જ યોજવાની વ્યવસ્થા માટે શિક્ષણ સંસ્થાઓ સાથે મસલત કરવી જરૂરી છે. માર્ચ મહિનાના અંત સુધી સાવચેતી રાખવી અનિવાર્ય છે. ત્યાર પછી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પગલાં લઈ શકાય. આવાં પગલાંથી આર્થિક હાનિ તથા અન્ય નુકસાનની શક્યતા છે, પરંતુ રોગચાળાના વ્યાપક પ્રસારથી થનારી હેરાનગતિની સરખામણીમાં આર્થિક નુકસાન સહન કરી શકાય.

પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે-સ્ટેશન્સ, બસ-સ્ટૉપ્સ વગેરે ઠેકાણે સ્વચ્છતા જાળવવાની વિશેષ કાળજી રાખવા સહિત ડિસઇન્ફેક્શન કૅમ્પેન્સને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.

ડૉ. અનંત ભાણ

રોગચાળાનાં જોખમોની લોકોને જાણ કરવી, વ્યક્તિગત સ્વચ્છતાની સભાનતાને પ્રોત્સાહન, સહેજ પણ બીમારી જણાય તો તાત્કાલિક આરોગ્ય સુવિધાઓનો સંપર્ક સાધવો, તાજેતરમાં વિદેશપ્રવાસ કર્યો હોય કે ઇન્ફેક્ટેડ વ્યક્તિના સંસર્ગમાં આવ્યા હોય તો ક્વૉરન્ટીન ઇન્સ્ટ્રક્શન્સનો અમલ કરવો જરૂરી બને છે. એ ઇન્સ્ટ્રક્શન્સનો પ્રચાર-પ્રસાર પણ જરૂરી બને છે.

સાવચેતી કે પ્રિકોશન અનિવાર્ય છે, પરંતુ એમાં અન્યો સાથે ઉદ્ધતાઈ કે ગેરવર્તન ન થાય એની કાળજી રાખવી જોઈએ. દરદી સાથે પણ ભેદભાવભર્યું વર્તન નહીં કરવાની તકેદારી રાખવી જરૂરી છે. ભયગ્રસ્ત ન થઈએ અને ભય ન ફેલાય એની કાળજી રાખવાની પણ જરૂર છે. જેમને ચેપ લાગવાની ઘણી શક્યતા હોય અને પ્રવાસ પર નિયંત્રણોના વખતમાં સુવિધાઓ ઉપલબ્ધ ન હોય એવા લોકોને મદદ કરવા આપણે અગ્રેસર થવું જોઈએ. આ પ્રકારના લોકોમાં એકલા રહેતા વૃદ્ધોનો સમાવેશ છે. સોશ્યલ મીડિયા દ્વારા ખોટી માહિતી ન ફેલાય એની કાળજી રાખવી જોઈએ.

કમનસીબે આપણી પાસે આવી પરિસ્થિતિઓના મુકાબલા માટે રાજ્યસ્તરે વ્યૂહ કેવો ઘડવો જોઈએ એનાં ઝાઝાં ઉદાહરણો ઉપલબ્ધ નથી. બે વખત નિપાહ વાઇરસના રોગચાળાનો ઉત્કૃષ્ટ રીતે મુકાબલો કરી ચૂકેલું કેરળ રાજ્ય ફરી એક વખત કોરોના નામની આફતની સામે પણ સંકલ્પ અને નેતૃત્વના રૂપમાં જોરદાર લડત આપે છે. એ બધું પ્રધાનો, મંત્રાલયો અને આરોગ્ય ખાતાના અમલદારોની પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતાને કારણે શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોએ કેરળ પાસે દરેક બાબત શીખવી જોઈએ અને એનો અમલ પણ કરવો જોઇઈએ.

આગામી કેટલાક દિવસોમાં કોરોના ઉર્ફે covid-19 વાઇરસની આપ‍ણા જીવન પર નિશ્ચિત અસર સ્પષ્ટ થશે. આપણે આ પરિસ્થિતિને સામૂહિક રીતે કેવો પ્રતિસાદ આપીએ છીએ એના પર ઘણો આધાર રહે છે. આ રોગચાળાનો પ્રભાવ નાબૂદ થશે અને બધો ઊહાપોહ શાંત પડશે ત્યારે આપણને આપણી હેલ્થ સિસ્ટમ મજબૂત કરવા અને સજ્જતા વધારવાની જરૂરિયાતનો અહેસાસ થશે. સુમાહિતગાર નાગરિકો આરોગ્ય સંબંધી સજ્જતા અને સાધનસંપન્નતાના કેન્દ્ર અને રાજ્ય સ્તરે અભાવ સામે પ્રશ્નો ઊભા કરશે ત્યારે રાજકીય સ્તરેથી પણ પ્રતિસાદ પ્રાપ્ત થશે, જેથી પરિસ્થિતિ બદલાવાની શક્યતા ઊભી થશે. રાજ્ય કે રાષ્ટ્ર રૂપે આપણી ભવિષ્યમાં આવી આરોગ્યની આફતોના પ્રતિકારની સજ્જતા અનિવાર્ય બનશે.

(ડૉ. અનંત ભાણ ગ્લોબલ હેલ્થ, બાયો એથિક્સ અને હેલ્થ પૉલિસીના રિસર્ચર છે)

coronavirus mumbai mumbai news