પાલિકાના ચોમાસા પૂર્વેના સર્વેમાં મુંબઈની ૪૮૫ ઈમારતો જોખમી જણાઈ

02 May, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અત્યાર સુધીમાં પાલિકાએ ૧૪૮ જર્જરિત ઈમારતો જમીનદોસ્ત કરી

પ્રતીકાત્મક તસવીર

ચોમાસમાં મુંબઈગરાંઓને કોઈ પ્રકારની તકલીફ ન થયા તે માટે બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation) દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. ચોમા દરમિયાન ઉદ્ભવતી વિવિધ નાગરિકી સમસ્યાઓમાંની એક એટલે જોખમકારક ઈમારતોની સમસ્યા. તે માટે પાલિકા તરફથી દર વર્ષે જોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. આ વર્ષના સર્વેક્ષણમાં કુલ ૪૮૫ ઈમારતો જોખમકારક જણાઈ છે. જેમાં ખાનગી ૪૨૩, મહાપાલિકાની ૩૪ અને સરકારી ૨૭ ઈમારતોનો સમાવેશ છે. મહાપાલિકાએ તત્પરતા દેખાડતા અત્યાર સુધી ૧૪૮ જોખમકારક ઈમારતો જમીનદોસ્ત કરી છે.

મહાપાલિકા તરફથી મ્હાડા પ્રાધિકરણ પ્રમાણે જ ચોમાસા પહેલાં જોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ મહાપાલિકાએ સર્વેક્ષણ પૂરું કર્યું છે. એમાં જણાયેલી ૪૨૪ ઈમારતોમાંથી ૧૨૪ ઈમારતોના વીજ અને પાણી જોડાણ કાપવામાં આવ્યા છે. આ વર્ષે કોરોનાનો ફેલાવો વધ્યો છે છતાં નાગરિકી સમસ્યાઓ સંદર્ભે જરૂરી કામ શરૂ કરવામાં આવ્યા છે. મ્હાડાએ પણ જોખમકારક, અતિજોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે. મે મહિનાના અંત સુધી આ કામ પૂરું કરવામાં આવશે.

આ જ પ્રમાણે મહાપાલિકાએ શરૂ કરેલા સર્વેક્ષણમાં ૪૮૫ ઈમારતોની સ્થિતિ વિશે શંકા વ્યક્ત કરવામાં આવી છે. મહાપાલિકાએ તેમાંથી ૧૧૨ ઈમારતોની ગંભીર સ્થિતિ જોઈને એ બધી તોડી પાડી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ વર્ષે વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ છે છતાં જોખમકારક ઈમારતો ધસી પડતા કોઈ દુર્ઘટના ન બને એ માટે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આ બાબતે પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા.આદેશ મુજબ મહાપાલિકાના ૨૪ વોર્ડમાં જોખમકારક ઈમારતો, ટેકરીઓની તળેટીમાં વસેલી કોલોનીઓનો કયાસ કાઢ્યો હતો. આ સંદર્ભે આપ્તકાલીન વ્યવસ્થાપન કાયદો ૨૦૦૫ અનુસાર અતિક્રમણો પર પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહાપાલિકાએ જોખમકારક ગણાવેલી ૧૦૭ ઈમારતો ખાલી કરાવવામાં આવી હોવાનું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. તેમ જ ૨૩૦ જોખમકારક ઈમારતો તોડી પાડવા સંદર્ભે કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે હાલ ૭૩ જોખમકારક ઈમારતોના પ્રકરણ કોર્ટમાં છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon