વેલ ડન કહો બોરીવલીના આ ગુજરાતી અને તેના મિત્રોને

02 December, 2014 03:30 AM IST  | 

વેલ ડન કહો બોરીવલીના આ ગુજરાતી અને તેના મિત્રોને




શર્મિષ્ઠા શાહ

કહેવાય છેને કે રામ રાખે તેને કોણ ચાખે? આયુષ્ય હોય તેને ઉપાય મળી જ આવે છે. આવો જ એક અનુભવ ગઈ કાલે ઝારખંડની એક મહિલાને થયો હતો. ભારતીય રેલવેમાં અવારનવાર અનેક પ્રકારના એટલા કિસ્સા બનતા રહે છે કે કોઈ વ્યક્તિ ધારે તો એના પર Phd કરી શકે. જોકે ક્યારેક એમાં પ્રવાસીઓને છેતરવાની ઘટના બનતી હોય છે, તો ક્યારેક માનવતાનાં દર્શન પણ થઈ જાય છે ઝારખંડની મહિલાને જામનગરથી બાંદરા આવતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં માનવતાના મસીહાઓ મળી ગયા હતા.

મોરબીની ટાઇલ્સ ફૅક્ટરીમાં કામ કરતા મજૂરપરિવારની આ મહિલા પ્રેગ્નન્સીના નવમા મહિને પોતાના પતિ અને ત્રણ-ચાર વર્ષના પુત્ર સાથે પ્રવાસ કરી રહી હતી ત્યારે જ તેને ટ્રેનમાં લેબર-પેઇન ઊપડ્યું હતું. ત્યારે એ જ ડબ્બામાં પ્રવાસ કરી રહેલી અન્ય મહિલાઓ સાથે બોરીવલીમાં રહેતા પ્રશાંત શાહ અને તેમના મિત્રોએ દોડાદોડ કરીને મહિલા તેમ જ તેના બાળકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાનું વર્ણન કરતાં નાગદેવીમાં હાર્ડવેરનો વ્યવસાય કરતા અને બોરીવલીમાં રહેતા પ્રશાંત શાહે જણાવ્યું હતું કે ‘હું અને મારા મિત્રો શંખેશ્વરની જાત્રા કરીને વિરમગામથી આ ટ્રેનના S-13 ડબ્બામાં ૩૦ નવેમ્બરે ચડ્યા હતા. ટ્રેને વિરમગામ છોડ્યું એના થોડા જ સમય પછી મહિલાને લેબર-પેઇન ઊપડ્યું અને તરત એ ડબ્બાની અન્ય મહિલાઓ ભેગી થઈ ગઈ હતી અને તેમણે મને અને મારા મિત્રોને ટ્રેનમાં કોઈક ડૉક્ટર પ્રવાસ કરતા હોય તો તેમને લઈ આવવા જણાવ્યું. હું અને મારા મિત્રો તરત જ દોડ્યા હતા અને ૧૧ કોચ પછી છેક S-2 કોચમાંથી એક ગાયનેક લેડી ડૉક્ટર અને બીજા બે પુરુષ ડૉક્ટર મળ્યા હતા. ક્ષણનોય વિલંબ કર્યા વગર અમે તેમને મહિલા પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ ડૉક્ટરોએ તે મહિલાની સલામત રીતે પ્રસૂતિ કરાવી હતી. એ માટે જરૂરી ડેટૉલ, સોફ્રામાઇસિન, બ્લેડ, દોરી જેવો સામાન પણ ડૉક્ટરોના કહેવાથી અમે અન્ય પૅસેન્જરો પાસેથી ભેગો કરી આપ્યો હતો. મહિલાને નૉર્મલ ડિલિવરીમાં પુત્રજન્મ થતાં બેઉ કોચના પૅસેન્જરોએ ભેગા મળીને હર્ષના ઉદ્ગારો સાથે તેમને વધાઈ આપી હતી.’

ટ્રેનમાં પ્રવાસ કરતા રેલવેના જવાનોએ તાત્કાલિક અમદાવાદ સ્ટેશનનો સંપર્ક સાધીને ઍમ્બ્યુલન્સ તૈયાર રખાવી હતી. અમદાવાદ સ્ટેશને ટ્રેનને અડધો કલાક થોભાવવામાં આવી હતી અને પ્રશાંતભાઈ તથા તેમના મિત્રો ઍમ્બ્યુલન્સ તે મહિલાને લઈને રવાના થઈ ત્યાં સુધી ખડેપગે રહ્યા હતા. એ ઉપરાંત આ મહિલા ઘણી ગરીબ જણાતી હોવાથી આપસમાં ફન્ડફાળો ભેગો કરીને તેને સારીએવી રકમ ભેટ આપી હતી અને ત્યાર બાદ જ ટ્રેનમાં બેઠા હતા. મહિલાની મદદે આવેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સારવારમાં થોડો પણ વિલંબ થાત તો મહિલા અને તેના બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાત. એ વખતે રેલવે પ્રોટેકશન ફોર્સના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિક્રમસિંહજી, અમદાવાદના સ્ટેશન-માસ્ટર તથા ગાર્ડ વગેરેએ ખૂબ સારી સેવા આપી હતી એવું પ્રશાંતભાઈએ જણાવ્યું હતું. પ્રશાંતભાઈ ઝાંઝમેર મિત્રમંડળમાં તેમ જ બોરીવલીના ગીતાંજલિ જૈન સંઘ, સાંઈબાબાનગરના કાર્યકર છે.