મુંબઈ: મેઘરાજા ઘણા મોડા આવ્યા, પણ છવાયા

29 June, 2019 09:07 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: મેઘરાજા ઘણા મોડા આવ્યા, પણ છવાયા

શહેરમાં સવારથી વરસાદની શરૂઆત થવાથી ગરમીથી લોકોઅએ રાહત મેળવી હતી તો અંધેરી-વેસ્ટમાં જુહુ ગલીમાં રસ્તામાં ભરાયેલાં પાણીમાં સ્કૂલનાં ટાબરિયાંઓએ વરસાદની મજા માણી હતી. તસવીર : આશિષ રાણે

ભારે ગરમીથી પરેશાન મુંબઈગરાઓએ ગઈ કાલે સવારે જાગ્યા ત્યારે ધોધમાર વરસાદ પડવાથી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડક અનુભવી હતી. જોકે આ ચોમાસાના સત્તાવાર કહી શકાય એવા વરસાદને લીધે શહેરમાં ૧૮ જગ્યાએ શૉર્ટસર્કિટ થવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવવાની સાથે પાંચ જણ ઈજા પામ્યા હતા. દાદરમાં દીવાલ પડવાની ઘટના બની હતી તો શહેરના જુહુ, મુલુંડ, અંધેરી, બાંદરા, ઘાટકોપર અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, જેને કારણે બેસ્ટની અનેક બસોના રૂટ બદલવા પડ્યા હતા. ત્રણેય લાઈનની લોકલ ટ્રેનની સાથે હવાઈ સેવાને પણ ભારે વરસાદથી અસર પહોંચી હતી. હવામાન ખાતાએ આવતી કાલે પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તળ મુંબઈમાં સવારથી બપોર સુધીના પાંચ કલાકમાં ૬૭.૦૩૬ મિલિમીટર તો પરાં વિસ્તારમાં ૧૪૦.૪ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.

શૉર્ટસર્કિટની ૧૮ ઘટનામાં ૩નો જીવ ગયો

શહેરમાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદને લીધે શૉર્ટસર્કિટ થવાની ૧૮ ઘટના બની હતી, જેમાં ત્રણ જણનાં મૃત્યુ થવાની સાથે પાંચ જણને ઈજા પહોંચી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ સવારે ૮ વાગ્યે અંધેરીમાં અણ્ણાનગર આરટીઓ ઑફિસની સામે વીજળીનો કરન્ટ લાગવાથી ૬૦ વર્ષની મહિલા કાશીમા યુડિયાર જખમી થયા બાદ એને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરાતાં ડૉકટરોએ મૃત જાહેર કરી હતી.

આવી બીજી ઘટના ગોરેગામમાં મહાકાલી ગુફા રોડ પર આવેલા ઈરવાની એસ્ટેટની ચાલમાં રહેતા ૬૦ વર્ષના રાજેશ યાદવ અને ૩૫ વર્ષના સંજય યાદવનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું, જ્યારે ૫૦ વર્ષનાં આશાદેવી અને ૨૪ વર્ષના દીપુ યાદવ બચી ગયાં હતાં. પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે સંજય પંખો બંધ કરવા ગયો હતો ત્યારે એને કરન્ટ લાગ્યો હતો. એને છોડાવવા પિતા રાજેશ યાદવે એને ટચ કરતાં તેમને પણ વીજળીનો ઝટકો લાગ્યો હતો. પિતા-પુત્રને બચાવવા માટે આશાદેવી અને પુત્ર દીપુએ પ્રયાસ કરતાં તેમને પણ કરન્ટ લાગ્યો હતો.

દાદરમાં દીવાલ પડતાં ત્રણ દબાયા

દાદર (પૂર્વ)માં બપોરે ત્રણેક વાગ્યે એક દીવાલ તૂટી પડતાં ચંદ્રકાંત તોડાવલે, ચેતન તાથે અને અન્ય એકને ઈજા પહોંચી હતી. ત્રણેયને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ચેતનની તબિયત સુધારા પર હોવાનું તથા બીજા બેની સારવાર કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

તળ મુંબઈમાં ૬૭ તો પરાંમાં ૧૪૦ મિલિમીટર વરસાદ

તળ મુંબઈમાં સવારથી સાંજે છ વાગ્યા સુધી કોલાબામાં ૨૬.૧ મિલિમીટર તો સાંતાક્રુઝમાં ૧૪૦.૪ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. શહેરમાં કુલ ૬૭.૦૩ મિલિમીટર, પૂર્વનાં પરાંમાં ૧૨૦.૪૭ મિલિમીટર અને પશ્ચિમનાં પરાંમાં ૯૦.૨૭ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.

વિક્રોલીમાં સૌથી વધુ ૧૨૧, બીકેસીમાં ૮૮ મિલિમીટર વરસાદ

ગઈ કાલે સવારથી સતત વરસાદ પડ્યો હતો. સવારના ૮થી બપોરના ૧ વાગ્યા સુધી અંધેરીમાં ૧૨૧.૧૪ મિલિમીટર, કુર્લામાં ૧૦૦, ચેમ્બુરમાં ૧૦૦.૮૪, ભાંડુપમાં ૧૦૪, વિક્રોલીમાં ૧૨૨, વિલે પાર્લેમાં ૯૫.૭૮, બાંદરામાં ૯૮.૮૨ અને બીકેસીમાં ૮૮.૧૪ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.

રોડ, ટ્રેન અને હવાઈ સેવાને અસર

ભારે વરસાદને લીધે અનેક સ્થળે પાણી ભરાવાથી તેમ જ મેટ્રોના ચાલી રહેલા કામને લીધે ટ્રાફિકજૅમનો સામનો મુંબઈગરાઓએ કરવો પડ્યો હતો. જુહુ, મુલુંડ, અંધેરી, બાંદરા, ઘાટકોપર અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાતાં બેસ્ટની બસોને ડાઇવર્ટ કરવી પડી હતી. દાદર સહિતના તળ મુંબઈના વિસ્તારમાં પાટા પર પાણી આવી જતાં ટ્રેનવ્યવહારને અસર પહોંચી હતી. પશ્ચિમ રેલવેની ૧૨ અને સેન્ટ્રલ રેલવેની ૨૧ લોકલ રદ કરાઈ હતી. આવી જ રીતે ખરાબ હવામાનને લીધે મુંબઈ એરપોર્ટ પરની કેટલીક ફ્લાઈટને અસર પહોંચી હતી. એક ફ્લાઈટને ડાઇવર્ટ કરાઈ હોવાનું એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈમાં ફરી આફતનો વરસાદઃ હાઈ અલર્ટ કરવામાં આવ્યું જાહેર

થાણેમાં પાટા પર પાણી ફરી વળ્યાં

ભારે વરસાદને લીધે થાણે રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા પર પાણી ફરી વળ્યાં હતાં. સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા સુનીલ ઉદાસીએ કહ્યું હતું કે શહેરનું પાણી રેલવે ટ્રેક પર આવી જતાં પાણી ભરાયું હતું. આને લીધે અમુક સમય સુધી ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો.

mumbai news mumbai monsoon mumbai mumbai rains western railway central railway