મુંબઈ રેલવેલાઇન નજીક ઉગાડવામાં આવતાં શાકભાજીથી કૅન્સર થઈ શકે

06 May, 2019 07:31 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ રેલવેલાઇન નજીક ઉગાડવામાં આવતાં શાકભાજીથી કૅન્સર થઈ શકે

રેલવેલાઇન નજીક ઉગાડવામાં આવતાં શાકભાજીથી કૅન્સર થઈ શકે

મુંબઈમાં રેલવેલાઇનની બાજુમાં અનેક સ્થળોએ થતી પાલક, મેથી, તાંદળજો અને લાલ ભાજી વગેરેની ખેતી આરોગ્ય માટે જોખમી હોવાની માહિતી મળી છે એથી બૉમ્બે હાઈ કોર્ટે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેને આ ખેતી માટે પાણી ક્યાંથી મળે છે એની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં જનહિતની કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની આવી ખેતી ગટર, દૂષિત અને કારખાનાંઓમાંથી વહેતા કેમિકલયુક્ત પાણીથી થાય છે એટલે એમાં સ્વાસ્થ્ય માટે જોખમી એવા ઝિંક, લોહ અને કાર્બાઇડ જેવા પદાર્થનું પ્રમાણ ખૂબ છે. કોર્ટે રેલવે-ટ્રૅકની આસપાસ થતી ખેતીમાં દૂષિત પાણીનો ઉપયોગ થતો હોય એવા કૉન્ટ્રૅક્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

રેલવે પ્રશાસન મુંબઈમાં રેલવે-ટ્રૅક પાસેની ફાજલ પડેલી રેલવેની માલિકીની જમીન પર ‘ગ્રો મોર ફૂડ્સ’ યોજના અંતર્ગત ખેતી કરવા માટે કેટલાક લોકોને વષોર્થી કૉન્ટ્રૅક્ટ આપે છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે ખેતી કરવા માટે આ ખેડૂતો પાણી ક્યાંથી લાવશે એ વિશે કોઈ જ વ્યવસ્થા રેલવે દ્વારા નથી કરવામાં આવતી.

મુંબઈના ઍડ્વોકેટ જનાર્દન ખડગે દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં કરાયેલી જનહિતની અરજીમાં રેલવેલાઇન પાસેની જમીન પર કયા પાણીથી ખેતી થાય છે એનો રિપોર્ટ રેલવે આપે એ પહેલાં આ બાબતની ચકાસણી ‘મિડ-ડે’એ કરતાં જણાઈ આવ્યું છે કે રેલવે કે પાલિકા દ્વારા આવી ખેતી કરવા માટે અલગથી પાણી નથી પૂરું પડાતું. ખેડૂતો ગટર અથવા દૂષિત પાણીથી જ ખેતી કરે છે અને એમાં શાકભાજી ઉગાડે છે.

આવાં શાકભાજી ખાવાથી કૅન્સર થઈ શકે

ગટરના પાણીથી થતાં શાકભાજીની ક્વૉલિટી વિશે ફોર્ટમાં આવેલી બૉમ્બે ફોરેન્સિકના આસિસ્ટન્ટ ડિરેક્ટર ગોપાલ રેલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાકભાજી કે ફ્રૂટના છોડ કે વૃક્ષને જેવી જમીન અને પાણી મળે એના તkવો ફળ કે શાકભાજીમાં ઓગળી જાય છે. રેલવેના પાટાની પાસે થતી ખેતીમાં ખૂબ મોટી માત્રામાં ટોક્સિન હોય છે, જેનાથી કૅન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે. આ ખેતી ગટરના પાણીથી થતી થાય છે. અમે આવા શાકભાજીની લેબોરેટરી ટેસ્ટ પણ કરી છે, જે ખાવાલાયક ન હોવાનું જણાઈ આવ્યું છે. રેલવે દ્વારા આવી ખેતીને મંજૂરી આપીને લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.’

ગટરના પાણીથી થાય છે ખેતી

મલાડ રેલવે-સ્ટેશનથી ગોરેગામ તરફના રેલવે-ટ્રૅક પાસે ૧૯૮૪થી ગુજરાતના મહુવાના મૂળ વતની મગનભાઈ રૂડાભાઈ બલદાણિયા ખેતી કરે છે. તેઓ પરિવાર સાથે રેલવેની જગ્યામાં જ નાનકડું ઘર બનાવીને રહે છે. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં લોકોને પીવાના પાણીની તકલીફ છે તો ખેતી માટે પાણી ક્યાંથી મળે? અમારી પાસે ગટરના પાણીથી ખેતી કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. વર્ષે અમે રેલવેને ૭૦૦૦ રૂપિયા અહીં ખેતી કરવા માટે આપીએ છીએ. હાર્બર લાઇન બોરીવલી સુધી લંબાવવાની યોજના છે એટલે ૨૦૧૭ પછી અમારો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નથી કરાયો.’

શાકભાજી વેચનારાઓ ખેતપેદાશ ખરીદે છે

પાલક, તાંદળજો, મેથી કે લાલ ભાજી જેવાં શાકભાજી ક્યાં વેચો છો? એના જવાબમાં જાણવા મYયું કે આસપાસમાં શાકભાજી વેચનારાઓ જે માલ તૈયાર હોય એ જાતે આવીને કૅશ રૂપિયા આપીને લઈ જાય છે.

ચોમાસામાં ખેતી બંધ

રેલવેલાઇન નજીક આવેલાં મોટા ભાગનાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે એટલે એમાં ખેતી નથી થઈ શકતી. એ વખતે આ પરિવારજનો બીજાં છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મગનભાઈનો એક પુત્ર કડિયાકામ અને બીજો સુરતમાં હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની પુત્રવધૂ પણ લોકોનાં ઘરકામ કરીને આર્થિક મદદ કરે છે.

મહેનત સાથે ઓછું વળતર

ખેતી માટે પૂરતું પાણી અને સારું હવામાન જરૂરી છે. અહીં પાણી તો પૂરતું મળે છે, પરંતુ ઘણી વાર વધુપડતી ગરમી કે વધુપડતી ઠંડીથી ખેતીના પાકને નુકસાન પહોંચે છે. આથી બે-ત્રણ મહિના કરેલી મહેનત પાણીમાં જતી રહે છે. આવા સમયે ખેડૂતપરિવાર માટે ગુજરાન ચલાવવાની મુશ્કેલી સર્જાય છે.

રેલવે ખેડૂતોને ઘર આપશે

નવી રેલવેલાઇન નાખવા માટે જે જમીન પરથી ખેતી બંધ કરવામાં આવશે એવા ખેડૂતપરિવારને રેલવે માનખુર્દમાં રહેવા માટે મકાન આપશે. એ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનું મગનભાઈએ જણાવ્યું હતું.

ગટરના પાણીમાં થતી શાકભાજી અખાદ્ય

ખાનગી લૅબોરેટરીમાં આની ચકાસણી કરાયા બાદ એ અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું છે. હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરનારા ઍડ્વોકેટ જનાર્દન ખડગેની અરજીમાં જણાવાયું છે કે દૂષિત પાણીથી થતી ખેતપેદાશ આરોગ્ય માટે ખૂબ જોખમી હોવાથી એ અખાદ્ય છે. રેલવે આ બાબત જાણતી હોવા છતાં એવું કઈ રીતે આ ચલાવી લે છે. ગટરના પાણીનો ઉપયોગ કરનારાઓનો કૉન્ટ્રૅક્ટ રદ કરવો જોઈએ.

આ પણ વાંચો : નાલાસોપારામાં સેપ્ટિક ટૅન્ક સાફ કરવા ગયેલા ત્રણ વર્કરનાં મૃત્યુ

રેલવે શું કહે છે?

રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટના નિર્દેશ મુજબ અમે આ મામલે તપાસ કરીને જવાબ આપીશું.

mumbai mumbai news mumbai railways