અઠવાડિયાથી ગુમ થયેલા પ્રભુદાસ પંચમિયા વીરપુરથી મળ્યાં

27 November, 2012 05:41 AM IST  | 

અઠવાડિયાથી ગુમ થયેલા પ્રભુદાસ પંચમિયા વીરપુરથી મળ્યાં



ઘાટકોપર (ઈસ્ટ)ના હિંગવાલા લેનની કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને માનસિક રીતે અક્ષમ ૮૫ વર્ષના દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન પ્રભુદાસ પંચમિયા ૨૦ નવેમ્બરે તેમના કુટુંબીજનો સૂતા હતા ત્યારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં રાજકોટને બદલે લખતર સ્ટેશને ઊતર્યા પછી ગુમ થઈ ગયા હતા. એ પછી એક અઠવાડિયા બાદ વીરપુરથી મળી આવ્યા હતા. તેઓ મળી ગયા એથી હરખઘેલા બનેલા તેમના કુટુંબીજનોએ અનેક પ્રયત્નો પછી પ્રભુદાસ પંચમિયા મળી ગયા એ માટે ‘મિડ-ડે’ને લકી ગણાવ્યું હતું. પ્રભુદાસભાઈને લઈને તેમના કુટુંબીજનો બુધવાર સુધી ઘાટકોપર પહોંચશે.

કેવી રીતે મળ્યાં?

સોમવારે સવારે સૌરાષ્ટ્રના લખતર ગામથી પ્રભુદાસભાઈને શોધવા નીકળેલા તેમના દીકરા મહેન્દ્ર પંચમિયાના સંબંધી ઋષિરાજ પટણીને વીરપુરના શંકરના મંદિર પાસેના એક આશ્રમમાંથી પ્રભુદાસભાઈ મળી આવતાં કુટુંબીજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ માહિતી આપતાં ઋષિરાજ પટણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લખતર ટ્રેનમાંથી ઊતરી ગયા પછી એક ટિકિટચેકરે તેમને ટિકિટ અપાવીને સુરેન્દ્રનગર જવા વેરાવળ જતી ટ્રેનમાં બેસાડી દીધા હતા, પરંતુ કોઈક કારણોસર પ્રભુદાસભાઈ સુરેન્દ્રનગર પહોંચવાને બદલે વીરપુર પહોંચી ગયા હતા. ત્યાંના આશ્રમવાળાએ તેમને બધી રીતે સાચવ્યા હતા. ગઈ કાલે અમે તેમને શોધતાં-શોધતાં ત્યાં પહોંચી ગયા ત્યારે તેઓ ખૂબ જ ડિપ્રેસ થઈ ગયા હતા. જેવા તેઓ અમારી સાથે ગાડીમાં બેસીને સુરેન્દ્રનગર તરફ જવા નીકળ્યાં કે તરત જ તેઓ મૂડમાં આવી ગયા હતા. અમે તેમને લઈને બુધવાર સુધી ઘાટકોપર પહોંચી જઈશું.’

કુટુંબીજનો શું કહે છે?

પ્રભુદાસભાઈ વીરપુરથી સુરેન્દ્રનગર જવા નીકળે એ પહેલાં જ ઘાટકોપરમાં રહેતી તેમની દોહિત્રી જલ્પાએ ‘મિડ-ડે’ને ફોન કરીને પ્રભુદાસભાઈ મળી ગયાના સમાચાર આપતાં કહ્યું હતું કે ‘મિડ-ડે ઇઝ લકી ફૉર અસ. અમે અઠવાડિયાથી મહેનત કરતાં હતાં, પણ નાના મળતા નહોતા. રવિવારે તમે અમારી સાથે વાત કરી અને ગઈ કાલે નાના મળી ગયાના સમાચાર મળતાં અમે ‘મિડ-ડે’ના ખૂબ-ખૂબ આભારી છીએ.’