મુંબઈથી જૂનાગઢ જઈ રહેલા ૮૫ વર્ષના વડીલ ટ્રેનમાંથી ગુમ

26 November, 2012 05:51 AM IST  | 

મુંબઈથી જૂનાગઢ જઈ રહેલા ૮૫ વર્ષના વડીલ ટ્રેનમાંથી ગુમ



ઘાટકોપર (ઈસ્ટ)ની હિંગવાલા લેનની કર્મભૂમિ સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષના દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન પ્રભુદાસ અમૃતલાલ પંચમિયા મુંબઈથી ૧૯ નવેમ્બરે કુટુંબ સાથે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં જૂનાગઢની તળેટીમાં તેમનાં કુળદેવી વેરાઈ માતાના હવનમાં જઈ રહ્યા હતા ત્યારે ૨૦ નવેમ્બરે સુરેન્દ્રનગરથી થાનની વચ્ચે ટ્રેનમાંથી તેમના કુટુંબજનોની જાણકારી વગર ઊતરીને ગુમ થઈ ગયા હતા. તેઓ માનસિક રીતે અક્ષમ છે. ફેસબુક, ઈ-મેઇલ અને ટ્વિટર જેવી સાઇટ્સનો ઉપયોગ કરીને તેમના કુટુંબીજનો અને નમþમુનિ મહારાજસાહેબના અર્હમ યુવા ગ્રુપ દ્વારા લોકોને પ્રભુદાસભાઈને શોધવા માટે મદદરૂપ થવાની અપીલ કરવામાં આવી છે.

પ્રભુદાસભાઈ મુંબઈથી ૧૯ નવેમ્બરે મોટા દીકરા જયવંતભાઈ અને બીજા નંબરના દીકરા મહેન્દ્રભાઈના કુટુંબીજનો સાથે જૂનાગઢ જવા નીકળ્યાં હતા. બીજે દિવસે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં બાથરૂમ લઈ જઈને તેમને એસ-૪ કોચમાં તેમની સીટ પર સુવડાવ્યા બાદ તેમના દીકરા જયવંતભાઈ, મહેન્દ્રભાઈ અને અન્ય ચાર જણ આરામ કરી રહ્યા હતા. એ સમયે પ્રભુદાસભાઈ સુરેન્દ્રનગર અને થાનની વચ્ચે કોઈ સ્ટેશન પર ઊતરી ગયા હતા. ત્યાર બાદ કુટુંબીજનો અને સુરેન્દ્રનગર પોલીસ એક અઠવાડિયાથી મહેનત કરી રહ્યાં હોવા છતાં તેઓ પ્રભુદાસભાઈને શોધવામાં નિષ્ફળ ગયાં હતાં. આથી પ્રભુદાસભાઈના કુટુંબીજનો અને મુંબઈના અર્હમ યુવા ગ્રુપે ગુજરાત અને મુંબઈમાં ઠેર-ઠેર પોસ્ટર્સ દ્વારા અને ત્યાર બાદ લોકોને ઈ-મેઇલ કરીને પ્રભુદાસભાઈને શોધવા માટે મદદ માગી છે.

ટ્રેનમાં પ્રભુદાસભાઈની સાથે જ મુસાફરી કરી રહેલા તેમના પૌત્ર જિજ્ઞેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ નવેમ્બરે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે અમે દાદાને બાથરૂમ લઈ જઈ પછી તેમની સીટ પર સુવડાવીને સૂઈ ગયા હતા. ટ્રેન થાન પહોંચી ત્યારે અમે જોયું તો દાદા તેમની સીટ પર નહોતા. અમે તરત જ તેમને શોધવા માટે આખી ટ્રેન ખૂંદી નાખી, પણ દાદા મળ્યાં નહોતા. ત્યાર બાદ અમે સુરેન્દ્રનગર પોલીસમાં દાદા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને ગુજરાતમાં ઠેર-ઠેર દાદાના ફોટા સાથેનાં પોસ્ટર્સ લગાડતાં એક ભાઈએ અમને જાણકારી આપી કે દાદા તેમની સાથે દરવાજા પર ઊભા હતા અને લખતરમાં ટ્રેનમાંથી ઊતરી ગયા હતા. આ બનાવને અઠવાડિયું થઈ ગયું, પણ અમારી પાસે દાદાના કોઈ સમાચાર નથી. આ જ કારણે અમે દાદાનો ફોટો અમારા સર્કલમાં લોકોને ઈ-મેઇલ, ફેસબુક, ટ્વિટર જેવી સાઇટનો ઉપયોગ કરીને મોકલ્યો છે અને તેમને શોધવામાં મદદ કરવા કહ્યું છે. દાદા અર્હમ યુવા ગ્રુપના લોનાવલા-મુલુંડનાં દીદી અનીતા પંચમિયાના સસરા હોવાથી અર્હમ યુવા ગ્રુપ પણ તેમને શોધવા મહેનત કરી રહ્યું છે.’