મહારાષ્ટ્રમાં માર્ચ સુધીમાં બદલાઈ જશે સત્તા: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે

26 November, 2021 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના દાવાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

ફાઇલ ફોટો

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના દાવાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાણેએ કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં સત્તા બદલાઈ જશે. રાજસ્થાનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન રાણેએ કહ્યું કે “મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સત્તા પરિવર્તન જોવા મળશે. માર્ચ સુધીમાં આ ફેરફાર જોવા મળી શકે છે. સરકાર બનાવવા અથવા તોડવાની બાબતો એવી છે, જે ગુપ્ત રાખવામાં આવે છે. આટલું જ નહીં, સમાચાર એજન્સી ANI અનુસાર, નારાયણ રાણેએ કહ્યું કે “ઉદ્ધવ ઠાકરે સ્વસ્થ નથી. આથી અમારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તેમના વિશે વાત ન કરવા કહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર વધુ સમય ટકવાની નથી.”

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ બે અઠવાડિયા પહેલાં સર્વાઇકલ સ્પાઇનની સર્જરી કરાવી છે. તેમને સારવાર માટે HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિવસેના અને કોંગ્રેસમાં રહેલા નારાયણ રાણેએ તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ગમે ત્યારે સત્તા બદલાઈ શકે છે. દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવાર આજે બપોરે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચી રહ્યા છે. શરદ પવાર પ્રફુલ પટેલ સાથે દિલ્હી જવા રવાના થયા છે. ફડણવીસ પણ આજે સવારે દિલ્હી પહોંચી ગયા છે.

ગઈકાલથી મહારાષ્ટ્ર ભાજપના ઘણા નેતાઓ દિલ્હીમાં હાજર છે. ગઈકાલે રાત્રે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, જ્યાં દેવેન્દ્ર ફડણવીસ પણ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમને દિલ્હી પહોંચવામાં મોડું થયું હતું. ચંદ્રકાંત દાદા પાટીલ અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપ મુખ્યાલયમાં સંગઠન મંત્રી બીએલ સંતોષને મળ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતાને મળ્યા છે.

mumbai news mumbai maharashtra