પવઈ તળાવમાં પર્યટકો બોટમાં ફરતાં-ફરતાં મગરો નિહાળી શકાશે

01 February, 2021 08:26 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

પવઈ તળાવમાં પર્યટકો બોટમાં ફરતાં-ફરતાં મગરો નિહાળી શકાશે

ભારતના ટિપિકલ મગર-ઇન્ડિયન માર્શ ક્રૉકોડાઇલ (તસવીર સૌજન્યઃ RAWW/WWA)

કેટલાક દાયકા પૂર્વે મહાનગરને પાણીપુરવઠો આપતાં જળાશયોમાં સામેલ રહી ચૂકેલા પવઈ તળાવમાં મગરના ઉપદ્રવની ઘટનાઓ પણ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ હવે એ ઉપદ્રવ-કથાઓનો અંત આણીને એ સ્થળને પર્યટનનું ધામ બનાવવાની તૈયારી મહારાષ્ટ્રના પર્યટન અને જંગલ વિભાગે કરી છે. પર્યટકો બોટમાં ફરતાં-ફરતાં મગરો નિહાળી શકે એવી જોગવાઈની વિચારણા ચાલી રહી છે.

રાજ્યના પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે ‘પવઈ તળાવમાં ક્રૉકોડાઇલ સફારી બોટ-રાઇડ શરૂ કરવા સંબંધી વ્યવસ્થાઓ અને આયોજનો વિશે પર્યટન મંત્રાલય અને જંગલ મંત્રાલયના અધિકારીઓ ચર્ચાવિચારણા કરી રહ્યા છે. એ સરોવરમાં મગરો અને માનવો બન્નેની સલામતીની તકેદારી રાખવામાં આવશે. એ યોજના માટે નિષ્ણાતો શું કરવું અને શું ન કરવું એની જે સૂચનાઓ આપે એની યાદી પણ બનાવવામાં આવશે. મગરને ખલેલ ન પહોંચે એ રીતે સ્લો મોટરાઇઝ્‍ડ રાઇડ્સ વિશે વિચારણા ચાલે છે.’

ઍડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સુનીલ લિમયેએ જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન માર્શ ક્રૉકોડાઇલ ૧૯૭૨ના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટના શિડ્યુલ-1 હેઠળ રક્ષિત વન્ય પશુ પ્રજાતિ છે. જંગલ વિભાગ પર્યાવરણને અનુકૂળ પર્યટન વિશે અભ્યાસ કરવા અને ઇન્ડિયન માર્શ ક્રૉકોડાઇલને તેમ જ પ્રદૂષણને ખલેલ ટાળવા માટે સૂચન પણ આપવાની વિનંતી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયાને કરી છે. ૬.૬૧ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ૪૦ કરતાં વધારે મગર છે. એ તળાવમાંના મગરોની ગણતરી કરવામાં આવી નથી, પરંતુ સંખ્યાના અંદાજ માટેના ફોટોગ્રાફિક પુરાવા છે. મૅન્ગ્રોવ્ઝ ડિપાર્ટમેન્ટે ખેડ તાલુકાના સોનગાંવમાં ક્રૉકોડાઇલ સફારી બનાવ્યા પછી એ ગામને ક્રૉકોડાઇલ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ પવઈમાં ક્રૉકોડાઇલ સફારી રચવા માટે ઉપયોગી થશે.’

mumbai mumbai news powai ranjeet jadhav