15 October, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પવઈમાં રહેતા ૨૦ વર્ષના કૉલેજ-સ્ટુડન્ટ વિવેક ટેટેએ ૧૭ જુલાઈએ ઘાટકોપર અને વિક્રોલી રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વિવેકે ક્વિઝ-કમ-ઇન્વેસ્ટમેન્ટ ગેમના નામે સાઇબર છેતરપિંડીમાં ૧.૮૦ લાખ રૂપિયા ગુમાવી દીધા હોવાની જાણકારી મળી હતી અને એ જ કારણે ચિંતામાં આવી જઈને તેણે આત્મહત્યા કરી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. અંતે શનિવારે કુર્લા GRPએ વિવેક પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવી લેનારા ૪ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
કેવી રીતે થઈ હતી છેતરપિંડી?
કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિવેકે આ વર્ષની શરૂઆતમાં પોતાના ફોનમાં ક્વિઝ કમ ઇન્વેસ્ટમેન્ટ ગેમ ડાઉનલોડ કરી હતી. આ ગેમમાં સાચા જવાબ આપવા પર ભરેલા પૈસાના ડબલ પૈસા બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ૧૫ જુલાઈએ વિવેક ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને ક્વિઝ રમ્યો હતો, જેમાં તેને ૨૦૦૦ રૂપિયા મળ્યા હતા. ત્યાર બાદ તેણે ૮૦૦૦ રૂપિયાનું રોકાણ કરતાં તેને ૧૬,૦૦૦ રૂપિયા મળ્યા હતા. એટલે તેને ખાતરી થઈ હતી કે એ એક સાચું અને સારું પ્લૅટફૉર્મ છે. આ દરમ્યાન તેને ૪ લાખ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ઑફર કરવામાં આવી હતી. એની સામે તેણે પોતાના ફોનથી ૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને તેના પિતાને ગૂગલપે દ્વારા છેતરપિંડી કરનારાઓને બીજા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે પૈસા મોકલ્યા પછી તેની સાથે છેતરપિંડી થઈ હતી. ૧૭ જુલાઈએ વિવેક તેની માતા સાથે ઘાટકોપરના એક મૉલમાં ગયો હતો, પણ ત્યાંથી થોડી વાર પછી એકાએક નીકળી ગયો હતો. વિક્રોલી રેલવે-સ્ટેશન પર જઈને તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેણે મૂકેલી સુસાઇડ-નોટમાં લખ્યું હતું કે તેનો મૃતદેહ બે સ્ટેશન વચ્ચે મળી આવશે.’
શું કહે છે પોલીસ?
ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે વિવેકનો ફોન તાબામાં લઈને તપાસ શરૂ કરી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલાં વિવેકે પૈસા ગુમાવ્યા હતા. અમે એ દિશામાં તપાસ કરતાં વિવેક સાથે એક પ્રકારે સાઇબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. એને કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ દરમ્યાન જાણવા મળ્યું હતું કે વિવેકના પૈસા મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોનાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ મુજબ ગોવિંદ અહિરવાર, સુશીલકુમાર મિશ્રા, અમન અબ્બાસ અને હરજિત સિંહ સંધુ તરીકે ઓળખાતા ખાતાધારકો સામે અમે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો હતો. આ આરોપીઓને શોધવા માટે સિટી પોલીસની સાઇબર ટીમની મદદ લેવામાં આવી રહી છે અને સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે.’