ગામમાં અટવાયેલા મુંબઈના પરિવારનું પોઝિટિવ થિન્કિંગ

09 May, 2020 05:32 PM IST  |  Mumbai Desk | Prakash Bambhrolia

ગામમાં અટવાયેલા મુંબઈના પરિવારનું પોઝિટિવ થિન્કિંગ

સંકટમાં હકારાત્મક વિચારીએ તો સારું પરિણામ મળી શકે છે એ મુંબઈના આ આગ્રે પરિવારે દર્શાવી દીધું.

કોરોનાના સંકટમાં દેશભરમાં લૉકડાઉન કરાતાં કામકાજ બંધ થયા હોવાથી કરોડો લોકો ઘરમાં બેસી રહ્યા છે. આખો દિવસ ઘરમાં બેસીને કરવું શું એવો સવાલ બધાને સતાવી રહ્યો છે ત્યારે કેટલાંક લોકો એવા પણ છે જેમણે આફતને અવસરમાં પલટી નાખી છે. 

મુંબઈમાં રહેતો દિલીપ આગ્રેનો પરિવાર લૉકડાઉનને લીધે તેમના કોંકણમાં આવેલા શિમગોત્સવ ગામમાં અટવાઈ ગયો છે. અહીં એક જ પરિવારના ૨૦થી ૨૨ સભ્યો સહકુટુંબમાં રહે છે. લૉકડાઉનમાં આખો દિવસ ઘરમાં બેસવાથી બધા કંટાળી ગયા હતા.
આ સમયે તેમને વિચાર આવ્યો કે ઘરમાં બેસીને રોટલા તોડવા કરતાં કંઈક કામ કરવું જોઈએ. બધા સાથે વિચારણા કર્યાં બાદ ઉનાળામાં ગામમાં પાણીની મુશ્કેલી ઉભી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું. આથી બધાએ એક નવો કૂવો ખોદવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

બધાએ ૧૪ એપ્રિલથી કૂવો ખોદવાની શરૂઆત કર્યાં બાદ વીસમે દિવસે જમીનમાંથી કૂવામાં પાણી આવ્યું હતું. બધાએ સવારથી મોડી સાંજ સુધી સખત મહેનત કરીને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કૂવો ખોદવાનું કામ શરૂ કરતાં તેમને આ સફળતા મળી હતી.
દિલીપ આગ્રેએ કહ્યું હતું કે કૂવો ખોદવાના કામમાં થોડા ફૂટ બાદ જ સારું પાણી આવતા અમારી મહેનત રંગ લાવી છે. લૉકડાઉનમાં એમનેએમ બેસી રહેવાને બદલે બધાએ મહેનત કરવાથી આ સફળતા મળી છે, જેનાથી વર્ષોથી ઉનાળામાં થતી પાણીની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવ્યો છે. આ પાણીનો ઉપયોગ ખેતી, ઘરના વપરાશ અને જરૂરિયાતમંદો માટે કરવાનો નિર્ણય લેવાયો છે.’

mumbai mumbai news prakash bambhrolia