હેલ્પના નામે હાથસફાયો : નકલી સીબીઆઈ ઓફિસર મહિલાએ મહેમાન બની ચોરી કરી

11 November, 2011 05:02 PM IST  | 

હેલ્પના નામે હાથસફાયો : નકલી સીબીઆઈ ઓફિસર મહિલાએ મહેમાન બની ચોરી કરી



(અંકિતા શાહ)

મલાડ, તા. ૧૧

પુરુષો નકલી પોલીસ બનીને વૃદ્ધ મહિલાઓને લૂંટતા હોય એવી ઘટના તો સાંભળી છે, પણ એક મહિલાએ એ જેના ઘરમાં રહેતી હતી એ ફૅમિલીને પોતે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની ઑફિસર હોવાનું કહી વિશ્વાસમાં લઈને ઘરમાંથી ૧૦ લાખ ૬૪ હજાર રૂપિયાની માલમતા લૂંટી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે દિંડોશી પોલીસે તપાસ કરતાં એ બનાવટી ઑફિસર હોવાની જાણ થઈ હતી. ૩૨ વર્ષની ગુજરાતી મહિલા પૂજા જૈન ઉર્ફે‍ ઠક્કર પાસેથી પોલીસે અમુક ઘરેણાં જપ્ત કર્યા હતાં.

તેને ગઈ કાલે બોરીવલી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરતાં બે દિવસની પોલીસકસ્ટડી મળી છે. મલાડ (ઈસ્ટ)ના અપર ગૌતમનગરમાં આવેલા સહ્યાદ્રિ ટાવરમાં એ વિંગમાં દસમા માળે રહેતાં પ્રિયા અગરવાલના ઘરે ચોરી થઈ હતી. પૂજા ફૅમિલીને લીગલ કેસમાં મદદ કરવા માટે એક મહિનાથી તેમના ઘરે રહેતી હતી. ૪૮ વર્ષનાં પ્રિયા અગરવાલ ૯ નવેમ્બરે રાતે અગિયાર વાગ્યે પોતાની રોકડ રકમ અને જ્વેલરી તપાસી રહ્યાં હતાં ત્યારે કબાટમાંથી એ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ તેમણે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિશે દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક કાકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરી થઈ હોવાની જાણ થતાંની સાથે અમે ફૅમિલી મેમ્બર્સને ઘરમાં કોણ રહે છે, કોણ આવ્યું હતું અને કોણ ગયું હતું એ બધી પૂછપરછ કરતા હતા ત્યારે પૂજાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તે અમને ગેરમાર્ગે દોરી રહી હતી અને અગરવાલ ફૅમિલીના નોકરનો ચોરીમાં હાથ હોવાનું જણાવ્યું હતું.’

અગરવાલ પરિવારની એક કાનૂની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરતી હોવાનો દેખાવ કરીને પૂજાએ ચોરી કરતાં છેવટે તેનો ભાંડો ફૂટ્યો હતો. ચોરી પકડાઈ જતાં પૂજાએ દિંડોશી પોલીસને ઉચ્ચ પોલીસ-અધિકારીઓના નામે દબડાવવાનો પ્રયાસ કરી જોયો હતો. દિંડોશી પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘પૂજા પુણેમાં મીરા બોરવણકર અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર સંજીવ દયાલની સાથે ફોન પર વાત કરતી હોવાનો દેખાડો કરી રહી હતી. પોલીસે તેની પાસે ઑફિસર હોવાનું આઇ-કાર્ડ માગ્યું ત્યારે તેણે એ આપવાની ના પાડી હતી અને ઑફિસરોને ડિસમિસ કરાવી લો રૅન્ક પર નાખવાની વાત કરી હતી, પરંતુ વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી.’

પોલીસ પૂજા ડૉક્ટર છે કે નહીં એની પણ તપાસ કરી રહી છે. હાલમાં તેના પર ચોરી કરવાનો અને નકલી પોલીસ બનવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજી માલમતા રિકવર કરવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે. વિનાયક કાકડેએ વધુમાં કહ્યું હતું કે ‘મરાઠી ભાષામાં પૂજાએ અમારી સાથે વાત કરી હતી અને તે સીબીઆઇ ઑફિસર હોવાનું અમને જણાવ્યું હતું. ત્યાર બાદ અમે તેની ઑફિસ ક્યાં આવી એમ પૂછતાં તે લોખંડવાલા, ચર્ચગેટ એમ કંઈ પણ બોલવા લાગી હતી. ત્યાર બાદ તેણે ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પૂજા પાસેથી ૪૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને ૬૦ ગ્રામ વજનની પાંચ સોનાની બંગડી જપ્ત કરી હતી. તેણે અમુક જ્વેલરી જ્વેલર પાસે રાખી હોવાનું જાણવા મળ્યું છે. એ પણ રિકવર કરવામાં આવશે.’

પૂજા દહિસરમાં રહે છે, પરંતુ અગરવાલ પરિવારને તેણે લોખંડવાલામાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ઘટના વિશે દીપક અગરવાલ અને તેમનાં પત્ની પ્રિયાને ‘મિડ-ડે’એ આ બાબતે પૂછતાં તેમણે હાલમાં ખૂબ જ ટેન્શનમાં હોવાનું કહ્યું હતું, પરંતુ આ ઘટના બની હોવાની વાત કબૂલી હતી. પૂજા અગરવાલ પરિવારનાં સગાંવહાલાંની ફ્રેન્ડ છે અને તે છેલ્લા એક મહિનાથી દીપક અગરવાલના ઘરે રહેતી હતી. ડૉક્ટર પૂજા જૈન ઉર્ફે‍ ઠક્કર તેના પ્રોફેશનથી ખુશ ન હોવાને કારણે તેણે બનાવટી ઑફિસર બનવાનું નક્કી કર્યું હતું. દીપક અગરવાલની ફૅમિલીનો લીગલ કેસ ચાલી રહ્યો હતો અને પૂજા એ સૉલ્વ કરવાની હતી, પરંતુ એ પહેલાં જ તેણે જેલભેગા થવું પડ્યું હતું.