કોર્ટનું વિચિત્ર અવલોકન: પાંચ વર્ષના બાળકને ગુડ ટચ, બૅડ ટચની ખબર પડે

10 February, 2021 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટનું વિચિત્ર અવલોકન: પાંચ વર્ષના બાળકને ગુડ ટચ, બૅડ ટચની ખબર પડે

પ્રતીકાત્મક તસવીર

અહીંની સ્પેશ્યલ પોક્સો કોર્ટે પાંચ વર્ષની બાળકી સાથે છેડછાડ કરનારા આરોપી પુરુષના જામીન નામંજૂર કરતાં જણાવ્યું હતું કે પીડિતા બાળકી હોવા છતાં તે ‘સારા સ્પર્શ કે બદઇરાદાપૂર્વકના સ્પર્શ’થી વાકેફ નથી, તેમ ન કહી શકાય.

આરોપીની જામીન અરજી ફગાવતાં સ્પેશ્યલ જજ ભારતી કાલેએ જણાવ્યું હતું કે પીડિતા બાળકીએ જણાવ્યું હતું કે અરજીકર્તાએ તેને સ્પર્શ કર્યો હતો, જે ખરાબ સ્પર્શ હોવાનું તેને લાગ્યું હતું. પીડિતા નાની બાળકી હોવાથી તે સારા સ્પર્શ કે ખરાબ સ્પર્શથી વાકેફ નથી, તેમ ન કહી શકાય, તેમ અદાલતે નોંધ્યું હતું. પીડિતા બાળકી તેના પાડોશી પુરુષ (આરોપી)ના ઘરે રમવા જતી હતી ત્યારે તે તેને અણછાજતો સ્પર્શ કરતો હતો.

તેની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૩૫૪ (છેડતી) અને પોક્સો અૅક્ટની સુસંગત જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. આરોપોને ફગાવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે પીડિતા બાળકી તેના ઘરે રમવા જતી હતી અને અરજીકર્તા તેને ખરાબ રીતે સ્પર્શ કરતો હતો, તેમ ન કહી શકાય. જોકે ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે પીડિતા સ્પર્શના સ્વરૂપથી વાકેફ હતી અને ખાસપણે તેણે તેના નિવેદનમાં આ વિશે જણાવ્યું હતું. ફરિયાદી પક્ષની દલીલ ઉચિત જણાતાં અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

mumbai mumbai news